વાંકાનેર પાસે બે ટ્રક ચાલકને લૂંટી લેનાર ટોળકી સકંજામાં
વાંકાનેર, તા., ૨૯: વાંકાનેર પાસે બે ટ્રક ચાલકને માર મારી લુંટી લેનાર ટોળકીને વાંકાનેર પોલીસે સકંજામાં લઇ પુછપરછ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર ગત રાત્રીના બે વાગ્યે કંડલાથી અંકલેશ્વર કેમીકલ ભરીને જતા બે ટેન્કરો જેમાં એક ટેન્કર ચાલક અકબરશા ઉમરશા શેખ (રહે. ભચાઉ-કચ્છ) અને બીજા ટેન્કર ચાલક હરેશભાઇ કંડલાથી કેમીકલ ભરીને અંકલેશ્વર ત્યારે વાંકાનેર નજીક રાણેકપર ગામના બોડ નજીક રાત્રે લુંટારા ટોળકીએ રસ્તા ઉપર પથ્થરો મુકી વાહનમાં પંચર પડે તેમ રાખી છુપાઇ જતા આ વેળાએ ઉપરોકત ટેન્કરો આ જગ્યાએથી પસાર થતા હરેશભાઇના ટેન્કરમાં પંચર પડતા તેણે ટેન્કર ઉભુ રાખેલ પાછળ સાથે જ આવતુ અકબરશાનું ટેન્કર પણ હરેશભાઇના ટેન્કર પાછળ ઉભુ રાખી હરેશભાઇ પાસે જતા ત્રણ અજાણ્યા શખ્સો હિન્દી-ગુજરાતી ભાષા બોલતા લુંટારાઓએ ફરીયાદી અકબરશા કાઇ સમજે તે પહેલા માથામાં લાકડાનો ધોકો મારી મુંઢ ઇજા કરી હતી અને અન્ય શખ્સે તેને પકડી રાખી લુંટારા શખ્સોની ફરીયાદીના પેન્ટના ખીસ્સામાંથી રૂ.૬પ૦૦ ભરેલું પાકીટ તથા રૂ. ૫૦૦ ની કિંમતનો મોબાઇલ તથા તેની સાથેના ધર્મેન્દ્રભાઇના ખિસ્સામાં રહેલ રૂ. ૧૫૦ રોકડાની લુંટ કરી ત્રણેય લુંટારા અંધારામાં નાસી છુટેલ.
આ બનાવની વાંકાનેર પોલીસને જાણ થતા રાત્રીના સમયે જ શહેર પોલીસના પીએસઆઇ ધાંધલ તથા તાલુકા પોલીસની ગાડીઓ બનાવ સ્થળે દોડી ગયેલ અને લુંટારા શખ્સો જે તરફ નાસી છુટયા હતા. તે દીશામાં તપાસ કરતા ત્રણ અજાણ્યા શખ્સો કેમીકલ જેવા કદડામાં ખુંચી ગયેલા જોવા મળતા તેને દબોચી લઇ પુછપરછ હાથ ધરી છે.
શહેર પોલીસના પીઆઇ બી.ટી.વાઢીયા તથા પીએસઆઇ એમ.જે.ધાંધલે તપાસ આદરી છે.