સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th June 2018

ભાવનગર રાષ્‍ટ્રીય અંધજન મંડળ દ્વારા હેલન કેલરની જન્‍મજયંતિ નિમિતે વાર્તાલાપ યોજાયો

ભાવનગર તા. ૨૯: રાષ્‍ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા અને કૃષ્‍ણકુમારસિંહજી અંધશાળા ભાવનગર દ્વારા શાળાના પ્રાર્થના હોલમાં જીવન એક યાત્રા-વિશિષ્‍ટ વાર્તાલાપનું આયોજન કરી હેલન-કેલરની ૧૩૮મી જન્‍મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ વાર્તાલાપમાં વકતા તરીકે સંચાલક લાભુભાઇ સોનાણીએ સેવા આપી હતી. તેઓએ તેમના વકતવ્‍યની શરૂઆતમાં મલ્‍ટીપલ વિકલાંગતા ધરાવતી હેલન કેલરના જીવનને યાદ કર્યુ હતું.

જીવન એક યાત્રા-વિશિષ્‍ટ વાર્તાલાપ અંતર્ગત લાભુભાઇએ પોતાના વકતવ્‍યમાં આધ્‍યાત્‍મિક દ્રષ્‍ટિકોણથી આર્યોના સોળ સંસ્‍કારની માહિતી આપી પરંપરાગત સંસ્‍કૃતિને જીવંત બનાવવા ભાર આપ્‍યો હતો. ત્‍યારબાદ તેઓએ માનવીનું જીવન કેવું હોવું જોઇએ તેની માહિતી મહાત્‍મા ગાંધી, નરસિંહ મહેતા જેવા વિશિષ્‍ટ અને મહાન માનવીઓના જીવનનું ઉદાહરણ પ્રસ્‍તુત કરી સમજાવ્‍યું હતું. આ ઉપરાંત રસ્‍કિનનો સર્વોદયનો સિધ્‍ધાંત તેઓએ વકીલ અને વાળંદના સમાન વ્‍યવસાય, ખરો શ્રમ ખેડુતનો અને સર્વના ભલામાં મારૂ ભલુ જેવા ઉદાહરણો સાથે આ સિધ્‍ધાંત સમજાવ્‍યો હતો.

ત્‍યારબાદ જીવનના વિવિધ માઇલસ્‍ટોન શ્રીમદ ભાગવત ગીતાના ઉપદેશ અનુસાર પ્રકૃતિના ગુણોના આધારે નિઃસ્‍વાર્થ કર્મો કરવા જ્ઞાન આપેલ. આવી જ રીતે જીવનનું અંતિમ લક્ષ્ય, આત્‍મબળ વધારવા માટે શું કરવું? જીવન અને મૃત્‍યુ એક સિક્કાની બે બાજુ, સમગ્ર જીવન એક પત્તાના મહેલ જેવું હોય છે. જેને હવાનું એક જોકું પણ હચમચવી શકે છે. માટે પત્તાના મહેલરૂપી જીવનને મજબુત બનાવી યોગ્‍ય કર્મવાળુ જીવન જીવવું જોઇએ તેમ સમજાવ્‍યું હતું.

આ પ્રસંગે પ્રજ્ઞાચક્ષુ શાળાના માનદ મંત્રી મહેશભાઇ પાઠક, ટ્રેઝરર પંકજભાઇ ત્રિવેદી, આચાર્ય ઘનશ્‍યામભાઇ બારૈયા, ટ્રસ્‍ટી નીલાબેન સોનાણી, સંમિલિત શિક્ષણ યોજનાના વિશિષ્‍ટ શિક્ષકો, શાળાના શિક્ષકો અને બન્ને સંસ્‍થાના કર્મચારીઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

(10:09 am IST)