સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 29th May 2022

કંડલામાં ડીઝલ ચોરી કરતી ગેંગ સક્રિય બની : BPCL લાઇનમાંથી 63 હજારનું ડીઝલ ચોરાયું

અજાણ્યા ઇસમોએ પાઇપલાઇનમાં કાણું પાડી રૂ.63,000 ની કિંમતનું 700 લીટર હાઇસ્પીડ ડીઝલની ચોરી કરી ગયા છે અને ચોરી કર્યા બાદ કાણું ફરીથી ચોરી કરી શકે તે રીતે બંધ કરીને ચાલ્યા ગયા બાદ આ કાણું ખુલી જતાં 2000 લીટર હાઇસ્પીડ ડિઝલ ઢોળાઇ જતાં વેડફાઇ ગયું હોવાની ફરીયાદ કંડલા મરિન પોલીસ મથકે નોંધાઇ

કંડલા: કંડલામાં ફસ્વાઇ કંપની સામે પીલર નંબર 555 પાસે આવેલી બીપીસીએલ કંપનીની પાઇલાઇનમાં તા.22/5 ના રોજ લીકેજ બાદ હજારો લીટર હાઇસ્પીડ ડિઝલ ઢોળાયું હોવાની ઘટનામાં કંપનીના મેનેજરે કંડલા મરીન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ બાદ આ કારસ્તાન તસ્કરોનું હોવાનું બહાર આવ્યું છે. તેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તસ્કરો કાણું પાડી રૂ.63,000 નું ડિઝલ ચોરી કરી ગયા છે અને એ કાણું ખુલી જતાં 2000 લીટર ડીઝલ તે દિવસે વેડફાયું હોવાનું જણાવ્યું હતું.

બીપીસીએલમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ઘનશ્યામભાઇ મોહનલાલભાઇ ગુલવાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.22/5 ના રોજ સવારે દીન દયાળ પોર્ટની ઓઇલ જેટી નંબર – 4 પર લાગેલા એમટી હરીલીલા જહાજમાં આવેલા હાઇસ્પીડ ડીઝલ પાઇપલાઇન મારફત વહન કરવાનું ઓપરેશન ચાલુ હતું તે દરમિયાન તેમને કંપનીના શુભદિપ ચંદાએ ફોન કરી જાણ કરી હતી કે, ફસ્વાઇ કંપની સામે પાઇપલાઇનનીચે ડિઝલ ઢોળાઇ રહ્યું છે સપ્લાય બંધી કરી તમે અહીં આવો, આ જાણ થતાં સપ્લાય ઓપરેશન બંધ કરી તેઓ ત્યાં પહોંચ્યા હતા.

તપાસ બાદ ખ્યાલ આવ્યો હતો કે આ ઓપરેશન ચાલુ હતું તે જ સમયે કોઇ અજાણ્યા ઇસમોએ પાઇપલાઇનમાં કાણું પાડી રૂ.63,000 ની કિંમતનું 700 લીટર હાઇસ્પીડ ડીઝલની ચોરી કરી ગયા છે અને ચોરી કર્યા બાદ કાણું ફરીથી ચોરી કરી શકે તે રીતે બંધ કરીને ચાલ્યા ગયા બાદ આ કાણું ખુલી જતાં 2000 લીટર હાઇસ્પીડ ડિઝલ ઢોળાઇ જતાં વેડફાઇ ગયું હોવાની ફરીયાદ તેમણે કંડલા મરિન પોલીસ મથકે નોંધાવી હતી. તપાસ પીઆઇ એસએસ.દેસાઇ કરી રહ્યા છે.

કંડલાથી પાઇપલાઇન મારફત પેટ્રોલ-ડિઝલ જેવા જ્વલનશીલ પદાર્થ વહન કરવાની ગાંધીધામમાં શરૂઆત કરવામા઼ આવી ત્યારથી અમુક ગેંગ આ ડીઝલ ચોરી કરવામાં સક્રિય બની છે. જે સમયાંતરે પાઇપલાઇનમાં કાણું પાડી ચોરીને અંજામ આપતી રહે છે.

હવે આ રીતે ચાલુ ઓપરેશને જ્યારે પાઇપલાઇનમાંથી જ્વલનશીલ પદાર્થ વહન કરાતો હોય ત્યારે કાણું પાડીને કરાતી ચોરી સમયે પણ જો આગ લાગી જાય તો મોટો વિનાશ સર્જાય તેમ છે. આ ઘટનામાંતો ચોર ટોળકી પણ હાજર નથી અને આ રીતે ડિઝલના રીતસરના ફૂવારા ઉડ્યા ત્યારે નાનો તણખો પણ તેના ઉપર પડે તો હાલત શું થાય ? આ ગંભીર સવાલ સામે તંત્ર કડક રૂખ અખત્યાર કરે તે જરૂરી છે.

(12:37 pm IST)