સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 29th May 2022

કચ્છ જિલ્લો સહકારીક્ષેત્રે નવા લક્ષ્યાંક હાંસલ કરી સહકારથી સમૃદ્ધિ તરફ આગળ વધે તે માટે રાજ્ય સરકાર છે કટિબદ્ધ

વડાપ્રધાનના સહકારથી સમૃદ્ધિના મંત્રને સાકાર કરવા કચ્છ જિલ્લો છે પ્રતિબદ્ધ: કચ્છ જિલ્લામાં ૩૮૯ મંડળીઓ થકી રૂ.૩ કરોડની કિંમતનું દૈનિક ૩.૫૦ લાખ લીટર દૂધ એકત્રીકરણ થઈ રહ્યું છે :કચ્છને સહકારીક્ષેત્રે અગ્રેસર બનાવવા ચાંદરાણી ખાતેના મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટને રાજ્ય સરકાર દ્વારા રૂ.૨૩ કરોડની સહાય

ભુજ: રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રયાસોના લીધે ગુજરાત સહકારીક્ષેત્રમાં નવા વિક્રમો સ્થાપિત કરી રહ્યું છે. સહકારક્ષેત્રના વિવિધ પ્રકલ્પોમાં કચ્છ જિલ્લો પણ અગ્રેસર છે. સમગ્ર જિલ્લામાં રજિસ્ટર્ડ સહકારી મંડળીઓની સંખ્યા ૧૮૮૯ છે. જ્યારે કચ્છ જિલ્લાના મંડળીના કુલ સભ્યોની સંખ્યા ૧૫૨૧૫૬ છે. કચ્છ જિલ્લો સહકારક્ષેત્રમાં નવા આયામો હાંસલ કરે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.  

કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ(સરહદ ડેરી) સાથે કુલ 389 મંડળીઓ સંકળાયેલી છે. ઉલ્લેખનીય છે કે, આ ૩૮૯ મંડળીઓના કુલ સભ્યોની સંખ્યા ૮૦૦૦૦ કરતા વધારે છે. દૂધ એકત્રીકરણમાં કચ્છ જિલ્લો અગ્રેસર છે. મંડળીમાં કુલ દૂધ ભરતા સભ્યોની સંખ્યા ૩૫૦૦૦ છે. કચ્છ જિલ્લામાં દૂધ એકત્રીકરણ પર નજર કરીએ તો જિલ્લાનું દૈનિક દૂધ એકત્રીકરણ ૩.૫૦ લાખ લીટર છે. જેની કિંમત રૂ. ૩ કરોડ જેટલી થાય છે. આમ, સમગ્ર જિલ્લામાં વાર્ષિક ૧૦૯૫ કરોડ રૂપિયાનું દૂધ એકત્રીકરણ થઈ રહ્યું છે અને તેનો સીધો જ લાભ કચ્છમાં આવેલા છેવાડાના વિસ્તારોના પશુપાલકો, ખેડૂતોને મળી રહ્યો છે. રાજ્ય સરકારના હકારાત્મક અભિગમના લીધે દૂધ ડેરીમાં ભરાવીને લાખો પશુપાલકો, ખેડૂતો રોજગારી મેળવી રહ્યાં છે અને આર્થિક રીતે સક્ષમ બની રહ્યા છે. 

સહકારીક્ષેત્રે કચ્છ જિલ્લાને નવી ઓળખ મળે તે માટે રાજ્ય સરકાર કચ્છવાસીઓની પડખે ઊભી છે અને તેનું જ ઉત્તમ ઉદાહરણ અંજાર તાલુકામાં ચાંદરાણી ખાતે નિર્માણાધિન મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ છે. દૂધની બનાવટો કચ્છ જિલ્લામાં જ ઉપલબ્ધ થાય અને કચ્છના પશુપાલકો, ખેડૂતો સ્વનિર્ભર બને તે હેતુથી ચાંદરાણી ખાતે રૂ.૧૩૦ કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટમાં રાજ્ય સરકારે રૂ. ૨૩ કરોડની સહાય આપી છે. 

સહકારીક્ષેત્રના એક અન્ય પ્રકલ્પ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે APMCને પણ રાજ્ય સરકાર દ્વારા સુવિધાસભર બનાવવામાં આવી રહી છે. કચ્છ જિલ્લામાં કુલ ૮ માર્કેટયાર્ડ આવેલા છે. બજાર સમિતિ નખત્રાણાને કિસાન કલ્પવૃક્ષ યોજના અંતર્ગત ૩૬૬.૨૦ લાખની સહાય આપવામાં આવી છે, જ્યારે અંજાર બજાર સમિતિને ૩૮૫ લાખની સહાય આપવામાં આવી છે. આમ ખેડૂતોને સહકારીક્ષેત્રથી આત્મનિર્ભર બનાવવાની દિશામાં રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.

માર્કેટિંગયાર્ડની સુવિધામાં વધારો થાય અને અત્યાધુનિક સગવડો ઊભી થાય તે માટે કચ્છ જિલ્લામાં સરકારે બજાર સમિતિ અંજારને રૂ.૧૦૦ લાખની સહાય જ્યારે નખત્રાણા બજાર સમિતિને રૂ.૪૩.૫૬ લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. 

કોરોનાની કપરી પરિસ્થિતિમાં ધંધા રોજગાર મળી રહે તે માટે ગુજરાત સરકાર આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અમલી બનાવવામાં આવી છે. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-૧ અંતર્ગત રૂ.૧ લાખ સુધીના ધિરાણ જોગવાઈ કરવામાં આવી છે. જે અન્વયે વિવિધ નાગરિક બેંકોએ કચ્છ જિલ્લાના ૨૬૫૩ લાભાર્થીઓને રૂ.૨૪૮.૩૧ લાખનું ધિરાણ આપ્યું છે. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-૨ અંતર્ગત રૂ.૨.૫ લાખ સુધીનું ધિરાણ આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. જે અન્વયે વિવિધ નાગરિક બેંકોએ કચ્છ જિલ્લાના ૩૦૯૭ લાભાર્થીઓને રૂ.૭૫૧.૨૧ લાખનું ધિરાણ આપ્યું છે. આમ બંને યોજના અંતર્ગત ૫૭૫૦ સભ્યોને રૂ. ૯૯૯.૫૨ લાખનું ધિરાણ આપવામાં આવ્યું છે.

ખેડૂતોને ઉપજની સાચવણી તેમજ બહુહેતુક ઉપયોગ માટે ગોડાઉન બનાવવામાં માટે પણ રાજ્ય સરકાર દ્વારા આર્થિક મદદ કરવામાં આવે છે. કચ્છ જિલ્લામાં ખેડૂત ખાતેદારોને વ્યક્તિગત ગોડાઉન બનાવવા માટેની યોજના અમલમાં છે. જેમાં ૨૫ ટકા સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત, આ કચ્છ જિલ્લામાં તારીખ 31મી માર્ચ,૨૦૨૨ સુધીમાં ૧ લાખ ૫૪ હજાર ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ અન્વયે ધિરાણ સહાય આપવામાં આવી છે અને જિલ્લાના ૧૨૫૫૪ પશુપાલકોને પણ ધિરાણ સહાય અપાઇ છે.

(7:13 pm IST)