સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th May 2020

કેશોદમાં સવારે ૮થી બપોરના ૪ સુધી દુકાનોનો સમય નિશ્ચિત કરાતા વેપારીઓએ લંચ ટાઇમ બદલી નાખ્યો...!

સર્જાયેલ પરિસ્થિતિને અનુરૂપ બનતા વેપારીઓ : વેપારીઓ પોતાની દુકાનો વધાવી બાદમાં સાંજના પ વાગ્યા આસપાસ આરામથી બપોરનું ભોજન લે છેઃ દૈનિક કાર્યોમાં સર્જાઇ ભારે અનિશ્ચિતા

કેશોદ તા. ર૯ :.. કોરોના વાઇરસ નામના રાક્ષસે ફલાવેલ મહામારીના પગલે લગભગ છેલ્લા સવાબે માસથી વેપાર-ધંધા સહિતના ક્ષેત્રોમાં તેમજ લોકોના રૂટીન મુજબના કાર્યોમાં ભારે અનિશ્ચિતતા સર્જાયેલી જોવા મળે છે. આ સ્થિતિ વચ્ચે સર્જાયેલ પરિસ્થિતિને અનુરૂપ થવા માટે પ્રયાસો કરી રહેલ છે. અને વેપારીઓએ પોતાનો લંચ ટાઇમ શુધ્ધ બદલી નાખેલ છે....!

માત્ર બે માસ પુર્વેના દિવસો તરફ એક નજર માંડીએ તો સામાન્ય દિવસો દરમ્યાન ધંધાર્થીઓ સહિતના લગભગ મોટાભાગના લોકો બપોરના ભોજનનું દૈનિક કાર્ય બપોરના બે વાગ્યા સુધીમાં આટોપી લેતા હતા. અને મોડી રાત સુધી પોતાના વેપાર ધંધા ધમધમતા રહેતા હતાં.

હોલસેલ ધંધાર્થીઓ સામાન્ય દિવસોમાં બપોરના ૧ થી ૧.૩૦ ની વચ્ચે પોતાની દુકાનો બંધ પાળી બપોરનું ભોજન લીધા બાદ થોડો સમય આરામ કરી બપોરના ૩.૩૦ કલાકની આસપાસના સમયમાં પોતાની દુકાનો ફરી વખત ખોલતાં.

પરંતુ કોરોના વાઇરસના પગલે લોકડાઉનનું બંધન લદાતા એકાએક સમગ્ર દૈનિક કાર્યોમાં ભારે અનિશ્ચિતતા સર્જાતી જોવા મળેલ છે. ગત તા. રર માર્ચથી લોકો પોતાના કામ-ધંધા સદંતર બંધ રાખી ઘરમાં કેદ થઇ ગયેલ હતાં. જે લોકો સવારે ૬ થી ૭ વાગ્યા દરમ્યાન ઉઠી જરૂરી નિત્યક્રમ પતાવી કામ ધંધા પર દોડી જતા હતા અને કામ ધંધામાં સતત વ્યસ્ત જણાતા હતાં. આવા લોકો માટે ટાઇમ કયાં કાઢવો એ મોટો સવાલ થઇ પડેલ હતો. આ પ્રથમ દોઢ માસ  જેવો કપરો સમય લોકોને બહુ મોટી સજા જેવો લાગી રહ્યો હતો. ચારે તરફ પોલીસ બંદોબસ્ત અંગે પેટ્રોલીંગ વચ્ચે જાણે કે લોકો જેલમાં કેદ થયા હોઇ તેવી અનુભુતી કરી રહ્યા હતાં.

આવા સંજોગોમાં લગભગ મોટા ભાગના લોકોએ પોતાનો નિત્યક્રમ ફેરવી સવારે આઠ થી દશ ની વચ્ચે ઉઠી બપોરના ૧ર-૩૦ થી ૧.૩૦ ની વચ્ચે બપોરનું ભોજન લઇ ફીર આરામ ફરમાવી પોતાનો સમય  પસાર કરતાં હતાં. આ સ્થિતિમાંથી કયારે છૂટકારો મળશે સતત તેની રાહમાં જણાતા હતાં. દરમિયાન ગત તા. ૪ મે થી થોડી છૂટછાટો મળતા લોકોએ રાહત અનુભવેલ હતી.ગત તા.૪ થી સવારના ૮ થી ૧ર દરમ્યાન ચાર કલાક માટે જીવન આવશ્યક ચિજ વસ્તુના વિતરકોને તથા અન્ય ધંધાર્થીઓને ૧ર થી૬ દરમિયાન છ કલાક માટે દુકાનો ખોલવાની છૂટછાટ મળતાં. જીવન આવશ્યક ચીજ વસ્તુઓના વેપારીઓ પોતાની દુકાનો બપોરના ૧ર વાગ્યે બંધ કરી ઘરમાં પુરાઇ જતા હતાં. જયારે જયારે આ સિવાયના અન્ય ધંધાર્થીઓ માટે બપોરના  ૧ર વાગ્યે સવાર પડતી હતી...! આ પ્રકારના ધંધાર્થીઓ બપોરના ૧ર કલાકે જમી પરવરીને પોતાની દુકાનો ખોલતા અને સાંજ ૬ કલાકે પુનઃ દુકાનો વધાવી ઘર ભેગા થઇ જતાં  બાદમાં ગત તા. ૧૯ મેથી લોકડાઉનના ચોથા તબક્કા દરમિયાન સમયમાં ફેરફાર કરી તમામ પ્રકારના ધંધાર્થીઓને ઓડ-ઇવેન પદ્ધતિ મુજબ સવારના ૮થી બપોરના ૪ વાગ્યા સુધી સળંગ આઠ કલાક માટે દુકાનો ખુલી રાખવાની છુટછાટ મળતાં વેપારીઓએ બપોરના ભોજનનો નિત્યક્રમમાં ફરી વખત ફેરફાર કરવાની ફરજ પડેલ છે.

આ અંગે વેપારીઓના જણાવ્યા મુજબ જયારે સવારે ઘરેથી દુકાને જવા નિકળે ત્યારે ભરપેટ સવારનો નાસ્તો કરીને જ નિકળે છે અને સાંજે ૪ કલાકે દુકાનો વધાવી (બંધ કરી) ઘરે જઇ બાદમાં સાંજના પ વાગ્યા આસપાસ બપોરનું ભોજન લે છે.

પોતાનો લંચ ટાઇમ બદલી નાખવા અંગે વેપારીઓએ જણાવેલ બપોરના ૪ વાગ્યા સુધી જ દુકાનો ખુલી રાખવાની છુટછાટ છે ત્યારે દુકાનો ફરીથી બંધ કરવી-ફરીથી ખલવી, જરૂરી માલ સામાન ગોઠવવા જેવી ક્રિયા પરવડે નહીં. બપોરે જમીને આવ્યા બાદ કલાકથી બે કલાકના સમયમાં દુકાન બંધ કરવાનો સમય થઇ જાય.

જો કે આ સ્થિતિ વચ્ચે આગામી તા. ૩૧ મે બાદ લોકડાઉનના પાંચમાં તબક્કામાં થોડી વધુ છુટછાટો મળી શકે અને દુકાનો ખુલી રાખવાનો સમય પણ લંબાઇ તેવા સમાચારો પ્રવર્તેલ હોઇ જો દુકાનો ખુલી રાખવાનો સમય આગામી દિવસોમાં વધારવામાં આવશે તો સમયસર બપોરનું ભોજન મળશે તેવી આશા વેપારીઓએ વ્યકત કરેલ છે. 

(1:11 pm IST)