સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th May 2020

કેવાયસીના બહાને જૂનાગઢના બે બેંક ગ્રાહકને રૂ. ર.ર૮ લાખનો ધુંબો

ઓનલાઇન નાણાં ઉપાડી લઇ છેતરપીંડી

જુનાગઢ તા. ર૯: જુનાગઢમાં મધુરમ બાયપાસ પાસે આવેલ મારૂતિનગરમાં રહેતા મુકેશભાઇ નંદલાલ જોશી (ઉ.વ. ૪૮) ને ગત તા. ૧પનાં રોજ એક અજાણ્યા શખ્સે બે અલગ અલગ નંબરવાળા મોબાઇલમાં ફોન કરીને બેંક એકાઉન્ટ કેવાયસી વેરીફાઇ કરવા માટે બેંક ખાતા નંબર અને એટીએમ નંબર આપવા જણાવેલ.

આથી અજાણ્યા શખ્સનાં વિશ્વાસમાં ભોળવાય જઇને મુકેશભાઇએ બેંક ખાતાનાં અને એટીએમ નંબર આપેલ જેના આધારે અજાણ્યા શખ્સે મુકેશ જોશીનાં એસબીઆઇ બેંક ખાતામાંથી તા. ૧પનાં રોજ રૂ. ૪૯૯૦ અને તા. ૧૬નાં રોજ બે વાર રૂ. ૪૯,૯૯૦ મળી કુલ રૂ. ૧,૦૪,૯૭૯ ની રકમ ઓન લાઇન ટ્રાન્સફર કરી લઇ વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી હતી.

આ અંગે ગઇકાલે મુકેશભાઇએ ફરિયાદ કરતા જુનાગઢ સીપીઆઇ પી. એન. ગામેતીએ તપાસ હાથ ધરી છે.

આ જ પ્રમાણે જુનાગઢ તાલુકાનાં ગોલાધર ગામનાં દિવ્યેશ વૃજલાલ ખુંટ (ઉ.વ. ૩૦) નામનાં યુવાનને પણ અજાણ્યા મોબાઇલ નંબરવાળા શખ્સે કેવાયસીનાં બહારને મુર્ખ બનાવી બેંક ખાતામાંથી રૂ. ૧,૧૪,૪૯૯ની રકમ ઉપાડી લઇ છેતરપીંડી આચરી હતી.

આ અંગેની તપાસ પણ સીપીઆઇ પી. એન. ગામેથી ચલાવી રહ્યા છે.

(1:07 pm IST)