સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th May 2020

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના આસોટામાં ખાનગી જમીનમાંથી ખાનગી કંપની ખનીજ ચોરી કરતા ઝડપાઇ

ડ્રોન સર્વેલન્સ ટીમને સફળતાઃ ૨૦૭૦ કરોડની ૩૨ હજાર ટન ખનીજ ઝડપાઇ

ખંભાળીયા, તા.૨૯: દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા જિલ્લા કલેકટરશ્રી ડો.નરેન્દ્રકુમાર મીનાના માર્ગદર્શન તથા સુચના હેઠળ કલ્યાણપુર  તાલુકાના મોટા આસોટામાં ખાનગી જમીનમાંથી ગેરકાયદે ખોદકામ થતું હોવાની બાતમી ઉપરથી ચેકીંગ ટુકડીઓ તથા ટીમને મોકલીને દરોડો પાડતા બે કરોડ સીત્તેર લાખનું ૩૨ હજાર ઉપરાંત ટનનું ખનીજ ગે.કા ખોદકામ કરતા એક ખાનગી કંપનીને પકડતા જિલ્લામાં ભારે ચકચાર જાગી છે.

જિલ્લા કલેકટરશ્રીનાં માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ અધિકારીશ્રી એન.એન.પટેલ તથા તેમની ટીમ દ્વારા ચેકીંગ દરોડો પાડીને દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સ.નં.૨૩૬ તથા ૨૩૯ની ખાનગી જમીનમાં વગર મંજુરીએ મોટા પ્રમાણમાં  મોરમ તથા બોકસાઇટનો જથ્થો ખોદાતો હોય ચેકીંગ કરતા આ સ.ન.ની જમીનો પરથી ૧૭૧૧૦.૯૧ મેટ્રીક ટન મોરમ તથા ૧૫૧૮૧૩૯ મેટ્રીક ટન બોકસાઇડ જેની કિંમત અનુક્રમે મોરમની ૩૬,૧૮૯૫૬ તથા બોકસાઇટની ૨,૩૪૨૧૦૮૯ કુલ ૨૭૦૪૦૦૪૫ની મતા પકડતા દુવભૂમિ જિલ્લામાં ભારે ચર્ચા જાગી હતી.

ડ્રોન સર્વેલેસની મદદથી ચેકીંગ સફળ થયુ

હાલ જેમ લોકડાઉનમાં કફર્યુ તથા લોકડાઉનનો ભંગ થતાં પકડવા માટે દૂર બેસીને ડ્રોન કેમેરા દ્વારા આકાશમાં બહુ ઉપરથી ચેકીંગ થાય છે તે રીતે આ ખાણ ખનીજની ચેકીંગ ટુકડીઓએ મોટા પ્રમાણમાં આસોટામાં આવી રીતે ચેકીંગ કરીને આ ૨.૭૦ કરોડનું ગેરકાયદે ખનીજ ખનન કરવાનું કૌભાંડ પકડી પાડયુ હતું. ડ્રોન સર્વેલન્સથી ખનીજ ચોરી ગેરકાયદે ખોદકામનો આ ત્રીજો બનાવ પકડાયેલ છે.

ખાનગી જમીન આશાપુરા ગૃપની કંપનીની : કાર્યવાહી થશે

ખાનગી જમીનોમાંથી બોકસાઇડ કે મોરમ કે અન્ય ખનીજ ખોદવાની મનાઇ હોવા છતાં દેવભૂમિ તથા પોરબંદની જાણીતી આશાપુરા ગૃપ ઓફ કંપની બોમ્બે કંપનીની પેટા કંપની મેનીકો ઇન્ટરનેશનલ પ્રા.લી કંપનીની આ ખાનગી જમીન હતી જેમાં આ ખોદકામ થયેલું હતું.

અગાઉ પણ આ કંપનીની લીઝમાં લોકડાઉન સમયે ખનીજ વહનની ફરીયાદ થઇ હતી તથા રાજકોટ રેન્જ પોલીસે દરોડો પાડયો હતો.

જિ.ખાણ ખનીજ અધિકારીશ્રી પટેલે જણાવેલ કે આ ખાનગી જમીનમાં ગે.કા.ખોદકામ કરી હજારો ટન ખનીજ કાઢયું હોય તેની સામે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(1:01 pm IST)