સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th May 2020

ભચાઉમાં ચાલતી ખનીજ ચોરી ઉપર આઈજીની ટીમનો સપાટો : ૮ ડમ્પર, ૨ લોડર જપ્ત

એક સરપંચ પુત્ર સહિત ભચાઉ, ગાંધીધામ, અંજારના ૮ સામે ૨૫ લાખની ખનીજ ચોરીની ફરિયાદ

ભુજ, તા. ર૯:  કચ્છ બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીનો પંજો કચ્છમાં ચાલતી અસામાજિક પ્રવૃતિઓ ઉપર ફરી વળ્યો છે. સરહદી જિલ્લામાં કાયદો વ્યવસ્થા માટે સતત સક્રિય એવા બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ રાજકીય ઓથ તળે ચાલતી ખનીજ ચોરી સામે લાલ આંખ કરી છે.

સરકારની કરોડો રૂપિયાની રોયલ્ટી ચોરી કરતા ખનીજ માફિયાઓ ઉપર પોલીસે લગામ આણી છે. આવો જ એક વધુ સપાટો બોલાવી આઈજીની સાઇબર સેલ ટીમે ભચાઉના કકરવા ગામે નદી માંથી થઈ રહેલ રેતી ચોરી ઝડપી પાડી છે.

સાઇબર ટીમના પીઆઇ ભાવિન સુથારે દરોડો પાડી મનફરા ગામના સરપંચના પુત્ર પ્રભુ કાના કોલી સામે કકરવાની ચાંગ નદીમાંથી રેતી ચોરી કરતા રંગે હાથ ઝડપી ૮ લોડર અને ૨ ડમ્પર જપ્ત કર્યા છે.

આ પ્રકરણમાં કુલ ભચાઉ, ગાંધીધામ અને અંજારના કુલ ૮ શખ્સો સામે ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સપેકટર જયેશ પોમલે ૨૫ લાખ ૭૬ હજાર ૪૭૨ રૂપિયાની ખનીજ ચોરીની ફરિયાદ લખાવી છે.

(11:45 am IST)