સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th May 2020

મજૂરોને મુકીને પાછા આવતા મેંદરડાના બસ ચાલક-કલીનર બીયર સાથે પકડાયા

કુવાડવા પોલીસે સાત હનુમાન પાસે મુકેશ મોરી અને મુકેશ પરમારને પકડયાઃ ૩ બીયર, ૧૦ લાખની બસ કબ્જે

રાજકોટ તા. ર૯: લોકડાઉનમાં ફસાયેલા મજૂરોને દસ દિવસ પહેલા ખાનગી ટ્રાવેલ્સની બસમાં નેપાળ મજૂરોને મુકી પરત આવતી વખતે મેંદરડાના બસ ચાલક અને કલીનરને ત્રણ બીયરના ટીન સાથે સાત હનુમાન પાસેથી કુવાડવા પોલીસે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ લોકડાઉન અંતર્ગત રાત્રે કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ આર. એલ. ખટાણા અને કોન્સ. મુકેશભાઇ સહિત સાત હનુમાન ચેક પોસ્ટ પાસે ચેકીંગમાં હતા ત્યારે અમદાવાદ તરફથી આવતી જીજે-૧૪ટી-૬૩પ નંબરની મેંદરડાના મહાલક્ષ્મી ટ્રાવેલસની બસને રોકી તલાશી લેતા બસમાંથી રૂ. ૬૦૦ની કિંમતના ત્રણ બીયરના ટીન મળી આવતા પોલીસે બસ ચાલક મુકેશ ચિરાગભાઇ મોરી (ઉ.વ. ૩પ) અને કલીનર મુકેશ હિરાભાઇ પરમાર (ઉ.વ. ૩૪) (રહે. બંને મેંદરડા તા. જુનાગઢ) ને પકડી લઇ બીયરના ટીન તથા દસ લાખની બસ કબજે કરી હતી. પોલીસે બંનેની પૂછપરછ કરતા ચાલક મુકેશ મોરી દસ દિવસ પહેલા લોકડાઉનમાં ફસાયેલા રાજકોટ અને ગોંડલના મજુરોને લઇને નેપાળ ગયા હતા ત્યાં મજુરોને મુકીને પરત આવતા હતા ત્યારે રાજસ્થાન પહોંચતા બંને બીયરના ટીન લઇને આવ્યા હોવાનું જણાવ્યું હતું.

(11:43 am IST)