સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th May 2020

ચોટીલામાં હોમિયોપેથી ડોકટર એલોપેથિક સારવાર આપતા ઝડપાયા

જનની હોસ્પિટલ સીલ કરાઇ જીલ્લાના આરોગ્ય અધિકારીઓએ આ બાબતે જવાબ આપવાનું ટાળ્યું : ૧૧૯ પ્રકારની દવાઓ સાથે ૬ દુકાનો પણ સીલ કરાઇ : જીલ્લામાં હજુ બોગસ ડોકટરો પણ પ્રેકટીસ કરી રહ્યાની ફરીયાદો છે તપાસ જરૂરી

ચોટીલા-વઢવાણ,તા.૨૯:ચોટીલા આરોગ્ય અધિકારી ની ટીમે આણંદપુર રોડ ઉપર બાર બેડની જનની હોસ્પિટલને સીલ મારી ભૂતિયા તબીબ અને નર્સ ને ઝડપી પાડતા તબીબ આલમમાં ચકચાર મચેલ છે.

ચોટીલા પંથકમાં મેડીકલ એકટનાં નિયમો નેવે મુકીને ઠેર ઠેર દવાખાના અને હોસ્પિટલોના હાટડીઓ ચાલે છે. ત્યારે છેલ્લા દોઢેક વર્ષ થી ચોટીલાનાં આણંદપુર રોડ ઉપર આવેલ એક કોમ્પલેક્ષની છ જેટલી દુકાનોમાં જનની હોસ્પિટલ ચાલતી હતી જેના ઉપર આજે સ્થાનિક આરોગ્ય અધિકારી ડો. સુનીલ ઉપાધ્યાય અને તેમની ટીમે છાપો મારતા એલોપેથીક દવાઓ તથા દર્દીઓને બાટલા ચડાવતા કોઇ તબીબી પ્રેકટીસ માટે નું સર્ટી કે ડીગ્રી ન હોવા છતા પોતાના જાતને ડોકટર તરીકે પ્રસ્થાપિત કરી તેમજ નર્સિંગ કોર્સ વગર માનવ જીંદગી સાથે ખિલવાડ કરી પ્રેકટીસ કરતા વિશાલ વિઠ્ઠલભાઈ સુરાણી તેમજ નર્સ તરીકે ફરજ બજાવી રહેલ વર્ષાબેન મનસુખભાઇ બાવળીયાને રંગે હાથે ઝડપી પાડેલ હતા.

કોરોના મહામારીના કપરા દિવસોમાં ચાલતી તબીબી હાટડીને હાલ આરોગ્ય વિભાગે ૧૨૯ પ્રકારની મળી આવેલ અલગ અલગ પ્રકારની એલોપેથી દવાઓ સાથે સીલ કરેલ છે

તેમજ પકડાયેલ બોગસ તબીબ અને નર્સ વિરૂધ્ધ મેડીકલ એકટની વિવિધ કલમ મુજબ ચોટીલા પોલીસમાં તાલુકા હેલ્થ અધિકારીએ ગુનો દાખલ કરાવતા પોલીસે તપાસ હાથ ધરી છેઙ્ગ

બોગસ તબીબી પ્રેકટીસ સાથે પકડાયેલ આરોપી એ જણાવેલ છે કે પોતે હોમિયોપથી છે અને જનની હોસ્પિટલમાં દોઢ વર્ષ થી પ્રેકટીસ કરે છે. તેઓ એલોપેથીક પ્રેકટીસ ન કરી શકે પણ તેમની જેમ ચોટીલા પંથકમાં બીજી અનેક હોસ્પિટલ, દવાખાના અને ડોકટરો આવી રીતે એલોપેથીક પ્રેકટીસ કરી રહ્યા છે આ સંદર્ભે અધિકારી સાથે વાત કરવા પ્રયાસ કરતા તેઓએ મૌન સેવી લીધુ હતું.

ચોટીલામાં કેટલાક સમય પહેલા રાજકોટ પોલીસે ગર્ભ નિદાનનાં ગોરખધંધા ચાલતા હોવાનું કૌભાંડ ડમી પેસન્ટ રૂપી ગ્રાહક બની ઝડપી પાડેલ, આરોગ્ય વિભાગ ની રાજય ની ટીમે એક ગાયનેક હોસ્પિટલ પણ ગોરખધંધા ચલાવતા મશીનરી સીલ કરેલ ત્યારે ફરી ભૂતિયા તબીબ ઝડપાતા ચોટીલા મેડીકલ બિઝનેસ હબ બનેલ હોવાની ચર્ચા ઉઠી છે. જેની પાછળ સ્થાનિક તંત્ર સામે પણ સવાલ ઉઠેલ છે.

શહેરમાં આવેલ દવાખાનાઓ અને હોસ્પિટલો કેટલી કાયદેસર છે.? તેમજ જે ડોકટરની ડીગ્રી કે સર્ટીનાં આધારે ચલાવાય છે શું ખરેખર તેઓજ આ ચલાવે છે? કેટલા ડોકટરો એલોપથીક સારવાર કરી શકે તેવી લાયકાત ધરાવે છે? એક ચર્ચાતી વાત મુજબ આધાર કોઇનો અને ચલાવનાર પણ કોઇ બીજા હોય છે. તેમજ મેડીકલ એકટનાં નિયમોની ઐસી તૈસી કરી બિલાડીના ટોપ ની માફક દવાખાના અને હોસ્પિટલો ચાલી રહેલ છે જેની રાજયની ટીમ દ્વારા તપાસ કરાય તો અનેક મુનાભાઇ એમબીબીએસ નો ભાંડો ફૂટે તેમ હોવાનું કહેવાય છે.

પોલીસ દ્વારા વધુ તપાસમાં ખરેખર આરોપી પાસે કોઈ ડીગ્રી છે કે કેમ? તેમજ ડીગ્રી નો આધાર મળે તો તેની પણ ખરાઇ કરવામા આવી શકે તેમ હોવાનું કહેવાય છે.ઙ્ગ

ચોટીલા પંથકમાં લોકોના જીવન સાથે ખેલ કરતા આવા અનેક તબીબો હોવાનું કહેવાય છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આવા લોકોને પકડી તેમના વિરુદ્ઘ કાર્યવાહી કરવાની ઝૂંબેશ હાથ ધરવી જોઈએ.

ચોટીલામાં કોની મહેરબાની થી બોગસ તબીબો લોક જીવન સાથે ખિલવાડ કરે છેઃ તપાસ માંગતા આગેવાનો

એક જ વ્યકિત ત્રણ વર્ષમાં નામ બદલી ત્રણ વખત હોસ્પિટલ ચાલુ કરી ચલાવે છતા તંત્ર અજાણ રહે તે બેદરકારી પાછળ કયું પરીબળ જવાબદાર તે સવાલ છે?

પકડાયેલ શખ્સ એ મિડીયા સાથે વાત કરતા જણાવ્યા મુજબ તે ત્રણ વર્ષ થી પ્રેકટીસ કરતો હોવાનું અને હોમિયોપેથીક હોવાનું બિન્દાસ કહે છે. તો આ વ્યકિત ખરેખર કોઇ ડીગ્રી ધરાવે છે? અને તે સાચી છે કે કેમ? તે પણ તપાસનો વિષય છે.

બોગસ તબીબની વાત વાયુ વેગે પ્રસરતા વગર ડીગ્રી એ એલોપેથીક કરતા કહેવાતા ડોકકટરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(11:26 am IST)