સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th May 2020

પાટડી તાલુકામાં ર કોરોના પોઝિટિવ કેસ

જેજરા ગામની સગર્ભા મહિલા અને ધ્રાંગધ્રા જેલમાંથી પેરોલ ઉપર છૂટેલા અખીયાણા ગામના વ્યકિત ઝપટે

વઢવાણ તા. ર૯ : સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં કોરોનાના ર કેસ નોંધાતા ચિંતા પ્રસરી ગઇ છે. જેજરા ગામની સગર્ભા મહિલા અને અખીયાણા ગામે રહેતા અને જેલમાંથી પેરોલ ઉપર છૂટેલા વ્યકિતનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના જેજરા ગામે રહેતા સગર્ભા મહિલા અલ્કાબેન શંકરભાઇ ચાવડાનો રિપોર્ટ પોઝિટિવ આવતા કોરોના વાયરસની સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોવાનું  હાલમાં જાણવા મળી રહ્યું છે. આ જિલ્લામાં કોરોના વાયરસનો આંકડો ૩ર ઉપર પહોંચ્યો છે.

પાટડીના અખિયાણા ગામે રહેતા કરણભાઈ વિઠ્ઠલાપરા કોઈ ગુનામાં ધ્રાંગધ્રા સબજેલમાં સજા ભોગવી રહ્યા હતા અને થોડા દિવસો પહેલા પેરોલ પર છોડવામાં આવ્યા હતા. જ્યાં બજાણા પોલીસ દ્વારા મેડીકલ ચેકઅપ માટે મોકલવામાં આવતા અન્ય રિપોર્ટની સાથે કોરોના પોઝીટીવ આવ્યો હતો. આથી પોલીસ તેમજ આરોગ્ય તંત્ર તેઓના ઘેર ગયા હતા અને તેઓને ગાંધી હોસ્પિટલ ખાતે સુરેન્દ્રનગર સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર અખિયાણા ગામને સેનેટાઈઝ કર્યું હતું અને તે વિસ્તારમાં દર્દી રહેતા હતા તે વિસ્તારને કવોરન્ટાઈન કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ઘેર ઘેર હોમિયોપેથિક દવાની ગોળીઓ અને આયુષ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બજાણા પોલીસ સ્ટેશને પણ સેનેટાઈઝ કરી કવોરન્ટાઈન કરવામાં આવ્યું હતું. જ્યારે પાટડી તાલુકામાં ૨ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

(11:26 am IST)