સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th May 2020

ઉનામાં રાજકીય અદાવતથી સામસામે ફાયરીંગ થયેલ ?

પોલીસની ૪ ટીમ દ્વારા તપાસ :ભાજપ શાસિત પાલિકાના પ્રમુખ કાળુભાઇ રાઠોડ જૂથ અને હરીફ કોંગ્રેસ જુથ બન્નેના ૩-૩ સભ્યો બઘટાડીમાં ઘવાયેલ

ઉનામાં ફાયરીંગ સ્થળે પોલીસે તપાસ શરૂ કરેલ તે તસ્વીર.

ઉના, તા. ર૯ : નગરપાલિકાના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ (કે.સી. રાઠોડ) ઉપર ગઇકાલે ફાયરીંગના બનાવમાં જૂની રાજકીય અદાવતથી તથા સામસામે ફાયરીંગ થયાની ચર્ચા થઇ રહી છે. આ બનાવમાં પોલીસે ૪ ટીમ બનાવીને ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

ગઇકાલની બઘડાટીમાં ભાજપ શાસિત પાલિકાના વર્તમાન પ્રમુખ કાળુભાઇ રાઠોડ તથા હરીફ કોંગ્રેસનું જુથ સામસામે આવી ગયેલ અને સામસામે ફાયરીંગની ચર્ચા થતાં પોલીસ તપાસ કરી રહેલ છે. બઘડાટીમાં બન્ને જુથના ૩-૩ વ્યકિત એમ કુલ ૬ વ્યકિતઓને ઇજા થતાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ છે.

ઉનામાં પૂર્વ ધારાસભ્ય તથા નગરપાલિકાના પ્રમુખ ઉપર એક જુથ વચ્ચે જુના મનદુઃખના કારણે સામસામે ફાયરીંગ તથા હુમલો થતાં બન્ને જુથના કુલ ૬ લોકોને ઇજા થયેલ.

ઉનાના પૂર્વ ધારાસભ્ય તથા નગરપાલિકાના પ્રમુખ તથા ભાજપના આગેવાન કાળુભાઇ ચનાભાઇ રાઠોડ ઉના શહેર ભાજપ પ્રમુખ મિતેષભાઇના શાહના બુલેટ ઉપર ગીરગઢડા રોડ ઉપર એમ.કે. પાર્કમાં ઉના નગરપાલિકાના પૂર્વ નગર સેવિકા ગીતાબેન કાંતીલાલ છગનું અવસાન થતાં તેમને ત્યાં બેસવા ગયેલ હતાં ત્યાંથી નિકળી અને આ વિસ્તારમાં રહેતા અનુભાઇ હરીશંકર ઠાકર તથા તેના જમાઇ અને ઉપપ્રમુખ નગરપાલિકા ચંદ્રેશભાઇ અને  જોશી બેઠા હતાં ત્યાં બેસવા ગયેલ હતાં ત્યારે  ર થી વધુ લોકો વાહનમાં આવી ઝગડો કરી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી પોતાની પાસે રહેલ રીવોલ્વર જેવા હથીયારથી ફાયરીંગ કરી રાઉન્ડ ફોડતા કાળુભાઇ રાઠોડ-જડબા તથા ગળાના ભાગે તથા તેમની પાસે બેઠેલ અનુભાઇ ઠાકરને પેટના ભાગે તથા  લોકેશ રસીકભાઇ ડાબી બાજુની છાતીના ભાગે ગોળી વાગતા લોહી લુહાણ હાલતમાં પ્રથમ ઉના ખાનગી દવાખાને સારવાર લીધી હતી. અને વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

નગરપાલિકાના પ્રમુખ ઉપર ફાયરીંગ થયાની વાત શહેરમાં વાયુવેગે ફેલાતા લોકોના ટોળે ટોળા નગરપાલિકાના પ્રમુખના કાર્યાલય સામે ભેગા થયા હતાં. પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, એએસપી અમીત વસાવા ઉના દોડી આવ્યા હતાં અને રેન્જ આઇજીપી મનિન્દરસિંહ પવારે ઉનામાં પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો છે.

પોલીસે બનાવના સ્થળ ઉપરથી ફુટેલા કાર્તુસનો જથ્થો પણ મળી આવતા કબજે લીધો છે. ઉના પીએસઆઇ રાજકોટ ફરીયાદ લેવા ગયા છે. ફરીયાદ આવ્યા પછી સાચી ખબર બહાર આવશે.

ઉનાના એક ગ્રુપ ઉનાના મહેશભાઇ ભગવાનભાઇ બાંભણીયા રે. ઉના યશવંતભાઇ મનુભાઇ બાંભણીયા, મનુભાઇ બાંભણીયા રે.ઉના વાળાને પણ હથીયારથી ઇજા પામેલ હોય તેમને રાજકોટ હોસ્પીટલ સારવાર માટે ખસેડેલ છે. હાલ હજુ ઉના પોલીસ સ્ટેશનમાં કોઇ તરફથી ફરીયાદ નોંધાઇ નથી.(૮.૭)

 

(11:23 am IST)