સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th May 2019

પોરબંદરના હવાઈ મથકના વિસ્તૃતીકરણ મામલે બેઠક યોજાઈ :રન વે ની લાબીં વધારાશે

કોસ્ટગાર્ડ - નેવી જેવી સુરક્ષા એજન્સીઓ માટે વ્યાપક સુવિધા અંગે ફળદાયી પરામર્શ

અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયાના અધ્યક્ષ ગુરૂપ્રસાદ મહાપાત્રા સાથે યોજેલી બેઠકમાં પોરબંદર એરપોર્ટના વિસ્તૃતીકરણ તથા હવાઇ સેવાઓના વ્યાપ અને કોસ્ટગાર્ડ - નેવી જેવી સુરક્ષા એજન્સીઓ માટે વ્યાપક સુવિધા અંગે ફળદાયી પરામર્શ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ પોરબંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ હોવા સાથે પ્રવાસન પ્રવૃતિનું પણ મહત્વનું કેન્દ્ર છે તે સંદર્ભમાં આ એરપોર્ટના હાલના રન-વે ને ર૬૦૦ મીટર જેટલો વિસ્તૃત કરવાની કામગીરી માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયા સાથે ચર્ચા વિચારણા કરી હતી. તેમણે કહ્યું કે, પોરબંદરમાં સમુદ્રી સુરક્ષાની દ્રષ્ટિએ ઇન્ડીયન કોસ્ટગાર્ડ અને નૌ સેના જેવી એજન્સીઓ પણ કાર્યરત છે.

ત્યારે ભવિષ્યમાં તેમના વધુ હેલિકોપ્ટર અને એરક્રાફટ લેન્ડીંગ થઇ શકે તે માટે પણ આ રન-વે એકસપાન્શન જરૂરી છે. એટલું જ નહિ, પોરબંદરથી હાલ અમદાવાદ-મુંબઇ માટે જે પેસેન્જર પ્લેન ચાલે છે તેમાં પણ વધુ વહન ક્ષમતા વાળા પ્લેનની વધારે ફ્રિકવન્સી કરી શકાય અને વધુ પ્રવાસીઓને હવાઇ સેવાનો લાભ મળે તે હેતુથી પ્રવર્તમાન રન-વે ની ૧૩૭ર મીટરની જે લંબાઇ છે તે વધારવી જોઇએ.

(2:13 pm IST)