સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th April 2021

પોરબંદર કોવિડ હોસ્પિટલમાં ર૪ કલાકમાં ૧૧ કોરોના નેગેટીવ દર્દીઓને દમ તોડી દીધોઃ કોરોનાના નવા ૩૪ પોઝીટીવ કેસ

મૃત્યુ થયેલા ૧૧ દર્દીઓને ડાયાબીટીસ સહિત અન્ય તકલીફો હતીઃ અન્ય રપ દર્દીઓ સાજા થયા

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ર૯ :.. સીવીલ હોસ્પિટલમાં કાર્યરત કોવીડ હોસ્પિટલમાં ર૪ કલાકમાં કોરોના નેગેટીવ રિપોર્ટ આવ્યા બાદ આવા ૧૧ દર્દીઓએ દમ તોડી દીધો હતો. ડોકટરના જણાવ્યા મુજબ મૃત્યુ થયેલ ૧૧ દર્દીઓ ડાયાબીટીશ તથા અન્ય શારીરિક તકલીફવાળા હતાં. સિવીલ હોસ્પિટલમાં ર૪ કલાકમાં કોરોના પોઝીટીવના નવા ૩૪ કેસ આવ્યા છે અત્યાર સુધી જિલ્લામાં કોરોના પોઝીટીવની કુલ સંખ્યા ૧૩૭૪ પહોંચી છે.

ગઇકાલે ર૯ર વ્યકિતઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં ૩૪ દર્દીઓના કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા છે આ કોરોના પોઝીટીવ કેસ સીતારામનગર, કડીયા પ્લોટ બોખીરા વાણીયાવાડી રોકડીયા હનુમાન મંદિર વિસ્તારમાંથી આવ્યો છે.

કોવીડ હોસ્પિટલમાં હાલ આઇસોલેશનમાં ૩ દર્દીઓ તેમજ સેમી આઇસોલેશનમાં ર દર્દીઓ સારવારમાં છે કોવિડ હોસ્પિટલમાં હાલ ર૭૪ દર્દીઓ ઓકસીજન ઉપર છે આ હોસ્પિટલમાં નવા ૪ દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે કોરોનાની સારવાર દરમિયાન રપ દર્દીઓ સાજા થઇ જતાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે સીવીલ હોસ્પિટલમાં હાલ કોરોનાના ૪પ દર્દીઓ સારવારમાં છે.

(12:52 pm IST)