સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th April 2021

જસદણની કોરોના હોસ્પીટલમાં ડો.બોધરા અને ડો.કોટડીયા ટીમનો અનોખો સેવા યજ્ઞ

(વિજય વસાણી દ્વારા ) આટકોટ, તા.૨૯: જસદણમાં યુધ્ધના ધોરણે માત્ર સેવાના ઉદેશ સાથે શરૂ કરવામાં આવેલ કોવિડ હોસ્પીટલ આજે સમગ્ર ગુજરાતમાં ઉદાહરણ દહી શકાય તેવી હોસ્પીટલ બની ગઇ છે જસદણનાં ડો.કોટડીયા અને ડો.ભરત બોધરા અને ટીમ દ્વારા ચાલતી આ હોસ્પીટલમાં તમામ સારવાર મફત કરી આપવામાં આવે છે.

રાજકોટ જીલ્લાના જસદણમાં પોતાની મોટી હોસ્પિટલ ધરાવતા ડો. પંકજ કોટડિયાને કોરોનાથી પરેશાન લોકોની પીડા ઊંદ્યવા નહોતી દેતી. કોરોના સામેનું યુદ્ઘ લડતા અને હા રી જતા ગ્રામ્ય પંથકના અભણ, ગરીબ અને લાચાર લોકોના ચહેરા સતત નજર સામે દેખાતા હતા. તા.૧૩ એપ્રિલની રાત્રે ડો. કોટડિયાએ એમના બે ચાર મિત્રોને આ વાત કરી. મિત્રો પણ ડોકટર સાહેબ જેવા જ સંવેદનશીલ હૃદયના હતા એટલે એ રાત્રે જ બધાએ સાથે મળીને નક્કી કર્યું કે આપણે જસદણમાં લોકો માટે વિનામૂલ્યે કોવિડ હોસ્પિટલ શરુ કરીએ અને જેટલા લોકોના જીવ બચાવી શકાય એટલા લોકોના જીવ બચાવીએ.

બીજા દિવસે બધા મિત્રો જસદણના પૂર્વ ધારાસભ્ય ડો. ભરતભાઈ બોઘરાને મળવા ગયા અને વિનામૂલ્યે કોવીડ હોસ્પિટલ શરુ કરવાની તથા તે માટે જે કોઈ રકમની જરૂર પડે એ બધા જ મિત્રો રકમ આપવા તૈયાર હોવાની વાત કરી. ડો.ભરતભાઈ બોઘરાએ કહ્યું, 'તમે બહુ સારો વિચાર લઈને આવ્યા છો. આપણે આ વિચારને બને એટલો જલ્દી અમલમાં મુકીએ. તમારે પૈસાની ચિંતા કરવાની જરૂર નથી એની વ્યવસ્થા હું કરીશ તમે માત્ર હોસ્પિટલની વ્યવસ્થા સંભાળજો. સરકારી વહીવટીતંત્રની જે મદદની જરૂર પડશે એ બધી જ મદદ મેળવવાની વ્યવસ્થા પણ હું સંભાળીશ.

સમય બગાડવો પોસાય એમ જ નહોતો એટલે તે જ દિવસે સાંજ સુધીમાં ડો. કોટડિયાની ટીમે હોસ્પિટલ માટેની જગ્યા પણ શોધી કાઢી. દેવશીભાઈ છાયાણી નામના ભાઈએ પોતાનું એક વર્ષથી બંધ પડેલું કારખાનું હોસ્પિટલ માટે આપ્યું અને આ કારખાનાની બાજુમાં જ આવેલી જયતારામ બાપુની જગ્યાના સંચાલકોએ જગ્યા આપવા સંમતી આપી.

બીજા જ દિવસથી ડોકટર કોટડીયાનાં બધા મિત્રો પોતપોતાની જવાબદારી સંભાળીને કામે લાગી ગયા. કોઈએ દવાની વ્યવસ્થા કરી, કોઈએ બાટલાની વ્યવસ્થા કરી, કોઈએ વાલ્વ વગેરે ભેગું કર્યું, કોઈએ મંડપ, ગાદલા, બેડ, પંખા, લાઈટ વગેરે જેવી વ્યવસ્થા સંભાળી. બીજા સેવાભાવી કાર્યકરો એક વર્ષથી બંધ પડેલું કારખાનું સાફ કરવામાં લાગી ગયા.

રાત દિવસ જાગીને માત્ર ૪૮ કલાકમાં ૧૦૦ બેડની હોસ્પિટલ ઉભી કરી દીધી જેમાં ૬૦ બેડ ઓકિસજન સુવિધા સાથેના હતા. ડો. પંકજ કોટડિયા ઈચ્છે તો પોતાની ૧૦૦ બેડની ખાનગી હોસ્પિટલ પણ ઉભી કરી શકે તેમ હતા પણ જસદણ પંથકના ગરીબ અને લાચાર લોકોના જીવ બચાવવા આ ડોકટરે કોઈપણ જાતના ચાર્જ વગર જ હોસ્પિટલ ચાલુ કરવાનો સંકલ્પ કર્યો હતો જે પુરો થયો. સરકારે પણ આ હોસ્પિટલને જે સહાયની જરૂર હતી એ તમામ સહાય ડો.બોદ્યરાનાં પ્રયાસોથી પુરી પાડી.

હોસ્પિટલમાં બે અલગ વિભાગો કરવામાં આવ્યા. એક વિભાગમાં ૫૦ વર્ષથી નાની ઉમરની વ્યકિતઓને દાખલ કરવામાં આવે છે અને બીજા વિભાગમાં ૫૦ વર્ષથી મોટી ઉમરની વ્યકિતઓને દાખલ કરવામાં આવે છે. ૫૦ વર્ષથી નાની ઉમરની વ્યકિતની પારિવારિક અને સામાજિક જવાબદારીઓને ધ્યાનમાં રાખીને જો કટોકટી સર્જાય તો યોગ્ય નિર્ણય લઇ શકાય એટલે બે વિભાગ રાખ્યા. ડો.કોટડીયાએ કાર્યકરો અને વ્યવસ્થાપકોની મિટિંગમાં કહ્યું કે શ્નજ્રાક્નજીક્ન પિતાની ઉમર ૬૧ વર્ષની છે એને જેવી તકલીફ હોય એવી જ તકલીફ વાળો કોઈ યુવાન આવે અને આપણી પાસે એક જ જગ્યા હોય તો એ પેલા યુવાનને આપજો જેથી એની તાત્કાલિક સારવાર થાય મારા પિતા જેવા વડીલની સારવારનો આપણે બીજો વિકલ્પ શોધીશું પણ કોઈ યુવાન સારવારના અભાવે જતો ન રહે એ ખાસ જોવાનું છે.

સરકાર તરફથી ફાળવવામાં આવેલ સ્ટાફ સહિત બધા કાર્યકરોને યોગ્ય જવાબદારી સોંપી દેવામાં આવી જે બધા બખૂબીથી નિભાવે છે.

ડો.પંકજ કોટડિયા પોતાની હોસ્પિટલ એના જુનિયર ડોકટરને સોંપીને સેવા કરવા માટે આ કોવીડ હોસ્પિટલમાં જ આવી ગયા છે અને પોતાના ડોકટર મિત્રોની સાથે રાત-દિવસ જોયા વગર કોરોના પીડિત લોકોની સારવાર કરે છે. બધાના સહિયારા પ્રયાસથી અત્યાર સુધીમાં ક્રિટીકલ કન્ડીશનમાં હોય એવા ૭૦થી વધુ લોકોના જીવ બચાવી બચાવી લેવામાં આવ્યા છે આ ઉપરાંત બીજા ૧૫૦થી વધુ લોકો સાજા થઈને દ્યરે પણ જતા રહ્યા અને હાલમાં ૯૦ જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. સૌથી મહત્વની વાત એ છે કે દર્દી અને એના સગા સહીત બધા માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને સારવાર કે ભોજનનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.

ડો.પંકજ કોટડિયાના જણાવ્યાં મુજબ હું ગોંડલ બી.એ.પી.એસ. ગુરુકુળનો વિધાર્થી છું અને જરૂરિયાતના સમયે લોકોની સેવા કરવાના સંસ્કાર મને ત્યાંથી મળ્યા છે.લૃ

મહામારીના આ કપરા કાળમાં સંગ્રહખોરી, કાળાબજારી અને ઉદ્યાડી લૂંટની સામે આવા સેવા યજ્ઞો પણ ચાલે છે.

જસદણ પંથકના અનેક લોકો આ હોસ્પીટલમાંથી સાજા થઇ સમગ્ર ટીમને આશીર્વાદ આપી રહ્યા છે.

આ સેવા યજ્ઞમાં ડોકટર કોટડીયા , ડોકટર સાવલિયા , ડોકટર મિતુલ, નગરપાલિકાના પ્રમુખ અલ્પેશભાઇ રુપારેલીયા, ડોકટર જયનાબેન વસોયા,નરેશભાઈ દરેડ વાળા, જીગ્નેશભાઈ હિરપરા, ભાવેશભાઈ વદ્યાસિયા, નીતિનભાઈ ચોહલિયા, સુરેશભાઈ છાયાણી, રાજાભાઈ કુંભાણી, સંજયભાઈ વીરોજા, અમિત ભાઈ ત્રિવેદી, ગિરધરભાઈ ભુવા, રમેશભાઈ હિરપરા, રાજ રામાણી, જયેશભાઇ પરમાર, મેહુલ ભાઈ વેકરીયા, હેપીન હિરપરા,સમગ્ર નર્સિંગ સ્ટાફ, મેડિકલ વિભાગ,સ્વીપર સ્ટાફ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:42 am IST)