સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th April 2021

આમરણ ચોવીસી પંથકમાં બિહામણો કોરોનાઃ એક મહિનામાં ૫૦ મોત

દરરોજ કેસ વધતા ચિંતાઃ કાંતિલાલ અમૃતિયાએ કોવિડ સેન્ટરોની મુલાકાત લીધીઃ દવાઓની કિટ અર્પણ

(મહેશ પંડયા દ્વારા) આમરણ, તા. ૨૯ :. આમરણ ચોવીસી પંથકમાં કોરોના મહામારીએ બિહામણુ સ્વરૂપ ધારણ કરેલુ છે. છેલ્લા એક માસમાં ૫૦ વ્યકિતઓને કાળમુખો કોરોના ભરખી ગયો હોવાનું જાણવા મળે છે.

આમરણ ગામમાં ૧૭, ખારચિયા ૧૬, ધુળકોટ ૧, બાદનપર ૭, ફાટસર ૨, જીવાપર ૧, બેલા ૨, ઉટબેટ ૧, ફડસર ૧, જામદુધઈ ૨ મળી કુલ ૫૦ જેટલી નાની મોટી વય ધરાવતી વ્યકિતઓના મોત નિપજયા છે.

જ્યારે હાલ રેપિડ ટેસ્ટ મુજબ ૨૫૦ ઉપરાંત કોરોનાગ્રસ્ત દર્દીઓ હોમ કવોરન્ટાઈન હેઠળ સારવારમાં હોવાનું જાણવા મળે છે. જો કે સુખદ બાબત એ પણ જાણવા મળેલ છે કે આમરણ ખાતેના પ્રા.આ. કોન્દ્રમાં દૈનિક ૧૫૦ ઉપરાંત ઓપીડી કેસ આવતા હતા તેમા ઘટાડો થયાના સમાચારથી લાગણી પ્રસરી છે. આજે ૭૪ દર્દીના રેપિડ ટેસ્ટ દરમિયાન ૮ પોઝીટીવ કેસ સામે આવ્યા હતા.

આમરણ ચોવીસી પંથકમાં કોરોનાની ભયાવહ સ્થિતિ હોવા છતા હજુ સુધી કોઈ સત્તાધારી નેતાઓ કે ઉચ્ચ અધિકારીએ ખબર અંતર પૂછવાની ફુરસદ મળી નથી પરંતુ આજે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ આમરણની મુલાકાત લઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સમાજવાડીમાં ચાલતા કોવિડ સેન્ટરની મુલાકાત લઈ દર્દીઓના ખબરઅંતર પૂછયા હતા તેમજ કોરોના પોઝીટીવ દર્દીઓને જરૂરી દવાઓની એકસો કિટનો જથ્થો સુપ્રત કર્યો હતો. બાદમાં આગેવાનો સાથે બેઠક યોજી સ્થિતિની જાણકારી મેળવી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સેવાને બિરદાવી માર્મિક ટકોર કરતા જણાવ્યુ હતુ કે, આરોગ્ય કર્મીઓ પાસેથી કામ લેતા આવડે તો ડબલ કામ કરે એવા છે. આમ તંત્રને કામ લેતા નહિ આવડતુ હોવા તરફ ગર્ભિત ઈશારો કર્યો હતો. આમરણના સામાજિક આગેવાનોને કપરાકાળમાં કોઈપણ મદદ માટે તૈયાર છું તેવી હૈયાધારણા આપી હતી. અગ્રણીઓ હસમુખભાઈ ગાંભવા, બીપીનભાઈ કાસુન્દ્રા, કેશવજીભાઈ કાસુન્દ્રા વગેરેએ સ્થિતિનો ચિતાર રજુ કર્યો હતો. અમૃતિયાએ બગથળા અને રાજપર પ્રા.આ. કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી.

(11:04 am IST)