સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th April 2021

સાવરકુંડલાના કોંગ્રેસના પૂર્વ સાંસદ નવીનચંદ્ર રવાણીનું હૃદયરોગના હુમલાથી નિધન

પાલિકામાં સૌથી નાની ઉમરે પ્રમુખ બન્યા'તાઃ 'મોટાભાઇ'ના હુલામણા નામથી જાણીતા હતાઃ અમરેલી જીલ્લામાં ઘેરો શોક : સાવરકુંડલા નદી બજારનાં પાલા કેબિન ધારકોએ ધંધા - રોજગાર બંધ રાખીને શોકમય રીતે બંધ પાળ્યો

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા,તા. ૨૯: સાવરકુંડલાના કોંગ્રેસના પૂર્વ સાંસદ અને સેવાભાવી અગ્રણી નવીનચંદ્ર રવાણીનુ અમદાવાદની હોસ્પિટલમાં હૃદયરોગના હુમલાથી નિધન થતા ઘેરો શોક છવાઈ ગયો છે.

સાવરકુંડલા પાલિકામાં તેઓ સૌથી નાની ઉંમરે પ્રમુખ બન્યા હતા અને અનેક સેવાકાર્યો કર્યા હતા.

નવીનચંદ્ર રવાણી ના પુત્ર ચંદ્રેશભાઇ રવાણી એ જણાવ્યું હતું કે ગઇકાલે રાત્રીના હોસ્પિટલમાંથી રજા આપવાના હતા પરંતુ તે પહેલાં જ હૃદયરોગનો હુમલો આવતાં અંતિમ શ્વાસ લીધા છે.

નવીનચંદ્ર રવાણી પરિવારના સભ્યો કુસુમબેન રવાણી (પત્ની),દીપકભાઇ રવાણી (પુત્ર),ચંદ્રેશભાઇ રવાણી (પુત્ર),એડવોકેટ યોગેશભાઇ રવાણી (પુત્ર), નૈમિષ ભાઈ રવાણી (પુત્ર) નીશાબેન રવાણી (પુત્રી),જસ્ટીસ શ્રી અમુભાઇ રવાણી (રીટા.) (ભાઇ), નીલેશભાઇ રવાણી (ભત્રીજા),ડો. સ્વાતી રવાણી (ભત્રીજી),સાવન વિનોદભાઇ રવાણી (પૌત્ર) (દુબઇ)ને વિલાપ કરતા છોડી ગયા છે.

સાવરકુંડલા અને અમરેલી જીલ્લા રઘુવંશી સમાજનાં મોભી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પીઢ અગ્રણી શ્રી નવીનચંદ્રભાઇ રવાણીનું  ૯૩ વર્ષની ઉમરે અમદાવાદ ખાતે દુઃખદ નિધન થયું છે. મોટાભાઇનાં હુલામણા નામથી જાણીતા નવીનચંદ્રભાઇનાં નિધનનાં સમાચાર મળતા વતન સાવરકુંડલા પંથકમાં ઘેરો શોક વ્યાપી ગયો છે.

સ્વર્ગસ્થ નવીનચંદ્રભાઇ રવાણીએ ખુબ જ નાની ઉમરે જાહેર જીવનમાં પ્રવેશી વેપારીઓ અને નાગરીકોનાં પ્રશ્નો ઉકેલવા કમર કસી હતી અને સ્થાનીક સ્વરાજયની સંસ્થા નગરપાલીકામાં સહુથી નાની ઉમરે પ્રમુખપદે ચૂંટાઇ આવી સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

ત્યારબાદ રાજકિય ક્ષેત્રે સતત પ્રગતિ કરતા રહ્યા અને ગુજરાત સરકારમાં પ્રધાન પદે અને અમરેલી જીલ્લાનાં સાંસદ તરીકે સતત બે ટર્મ સુધી સેવા આપી હતી. સ્વર્ગસ્થ નવીનચંદ્ર રવાણી તત્કાલીન સ્વ. વડાપ્રધાન શ્રીમતી ઇન્દીરાબેન ગાંધીના નિકટમ અને વિશ્વાસુ હતાં. ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં તેમનો ભારે દબદબો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પદે રહીને પક્ષને પોતાની કાર્યદક્ષતાથી તત્કાલીન સમયે કોંગ્રેસ પક્ષને મજબુત બનાવ્યો હતો. સ્વર્ગસ્થ રવાણીભાઇની રાજકિય નિવૃતિ બાદ પણ તેમના વતન અમરેલી જીલ્લામાં તેમનો દબદબો યથાવત રહ્યો હતો. સ્વર્ગસ્થ રવાણીભાઇ આજને પચાસ વર્ષ પહેલા નગરપાલીકાના પ્રમુખપદે સેવા આપતા હતા ત્યારે સાવરકુંડલા શહેરમાં ઘર વિહોણા ગરીબ લોકોને નગરપાલીકા વિસ્તારમાં મફત પ્લોટની ફાળવણી કરી સેંકડો ગરીબ લોકોને ઘરનો આશરો બનાવી આપ્યો હતો. નિવૃતિના સમયમાં અમદાવાદ ખાતે વસવાટ કરતા હોય સાવરકુંડલા પંથકનાં લોકોને હોસ્પીટલનાં કામ અર્થે અમદાવાદ જવાનું થાય ત્યારે તેઓ અડધી રાતનો હોંકારો હતા અને પોતાના વતનના લોકોને હરપ્રકારની સતત મદદ કરવા તત્પર રહેતા હતાં.

સાવરકુંડલા પંથકના પર દુઃખ ભંજક આગેવાનના નિધનથી સાવરકુંડલા શહેર અને પંથકમાં શોકની લાગણી ફરી વળી છે.

સાવરકુંડલા પાલિકામાં તેઓ સૌથી નાની  ઉમરે પ્રમુખ બન્યા હતા અને લોકોની સેવા કરી હતી.  નવીનચંદ્ર રવાણીનાં અવસાનનાં સમાચાર મળતા નદી બજારના પાલા કેબીન ધારકોએ ધંધા - રોજગાર બંધ રાખીને શોકમય રીતે બંધ પાળ્યો હતો.

(11:02 am IST)