સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th April 2021

મોરબીમાં વરસાદી ઝાપટું, શનાળા અને ઘુનડા-ખાનપરમા કરા સાથે વરસાદ

ભરઉનાળે ચોમાસુ બેઠું હોય તેમજ આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો

મોરબી : મોરબીમાં આજે દિવસભર અસહ્ય બફારા અને ઉકળાટ રહ્યા બાદ સાંજે વાતવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો અને ભરઉનાળે ચોમાસુ બેઠું હોય તેમજ આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને ગાજવીજ સાથે મોરબીમાં વરસાદી ઝાપટું પડ્યું હતું.જ્યારે મોરબીના શનાળા ગામે તેમજ ઘુનડા-ખાનપરમા કરા સાથે વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળ્યા છે.
મોરબીમાં આજે સાંજે વાતવરણમાં અણધાર્યા પલટો આવતાની સાથે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું.અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. મોરબી શહેરમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને ધીમેધીમે ઝરઝર ઝરમર વરસાદ પડી રહ્યો હોવાના વાવડ મળી રહ્યા છે. શહેર અલગ અલગ વિસ્તારમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યા હોવાના અહેવાલ મળ્યા છે. તેમજ મોરબીના શનાળા ગામે અને ઘુનડા-ખાનપર ગામે કરા સાથે વરસાદ પડ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. જ્યારે મોરબીના આમરણ ગામે ઝરમર વરસાદની સાથે વીજળી પડી હતી.પણ જાનહાનીના સમાચાર મળ્યા નથી. મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યા હોવાના અહેવાલ મળ્યા છે. ઓચિંતા કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.

(10:09 pm IST)