સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th April 2021

રાજકોટ-મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક આવેલા નેસડા સુરજી ગામની વાડી વિસ્તારમાં દીપડો ઝબકયો

ટંકારા પંથકના ગામડાની વાડી વિસ્તારમાં આવેલ
કેનાલના નાલામાં દીપડો આરામ કરતો નજરે પડતા ટંકારા ફોરેસ્ટ વિભાગને તાકીદે જાણ કરવામાં આવી હતી.

ફોરેસ્ટ વિભાગ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવેલ અને પગના પંજાની સગડને આધારે દિપડો જ હોવાની પુષ્ટિ કરી છે.

રાજકોટથી પાંજરૂ મંગાવ્યુ છે જે અત્યારે રાત્રે ૮.૩૦  વાગ્યે આર.એફ.ઓ. શ્રી કુડારીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મારણ સાથે પાંજરૂ મુકવામાં આવશે.

નાના ગામમાં દીપડાએ દેખા દેતા ભય ફેલાયો છે. ગામના સરપંચ મહેશભાઈ સહિતના ફોરેસ્ટ  કર્મચારી ધટના સ્થળે હાજર છે.

ત્રણ મહિના પુર્વે બંગાવડી ડેમ નજીક દીપડો દેખાયાની વાત વહેતી થઈ હતી. આજે સગડ અને રૂબરૂ આરામ કરતો દીપડો ફોરેસ્ટ વિભાગે અને ગ્રામજનોએ જોયો હતો.

જોકે કમનસીબે પાંજરૂ રાજકોટ થી આવે એ પુર્વે વરસાદી માવઠું આવતા દિપડો નાલામાંથી બહાર નિકળી ગયો હતો અને અંધારાનો લાભ લઈ ચકમો આપી ભાગી ગયાનું અત્યારે આ લખાય છે ત્યારે જાણવા મળ્યું છે.

હાલ ફરી ફોરેસ્ટ વિભાગ પગેરૂ મેળવી દીપડાનો પીછો આદરી તેને પકડવા કવાયત હાથ ધરી છે. (જયેશ ભટાસણા, ટંકારા.)

(9:05 pm IST)