સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th February 2020

દ્વારકા જતાં પદયાત્રિકો માટે તાલુકા પોલીસનો ખાસ કેમ્પ

પીઆઇ જે. વી. ધોળા અને ટીમે સલામતિ અને ટ્રાફિક વિશે સમજણ આપીઃ પદયાત્રીઓ માટે રેડિયમ બેલ્ટ, ટોર્ચ, ચા-ઠંડાપીણા, મેડિકલ કેમ્પ, નાસ્તા તેમજ રાત્રી રોકાણની વ્યવસ્થા

રાજકોટઃ પગપાળા દ્વારકા દર્શન કરવા માટે છેલ્લા કેટલાક દિવસથી પદયાત્રીઓનું રાજકોટમાં આગમન થઇ ચુકયું છે. મોટા ભાગના યાત્રીઓ કાલાવડ રોડ પર થઇને દ્વારકા તરફ આગળ વધી રહ્યા હોઇ આ પદયાત્રીઓની સેવા, સલામતિ અને તેઓને ટ્રાફિક વિશેની સમજ આપવા માટે તાલુકા પોલીસ મથકના પીઆઇ જે. વી. ધોળા અને ટીમે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી જે. એસ. ગેડમની રાહબરીમાં કાલાવડ રોડ પર પોલીસ મથકની નજીકમાં જ ખાસ અવેરનેસ કેમ્પનું આયોજન કર્યુ છે. રાત્રીના સમયે ચાલતાં યાત્રીકોને કપડામાં પહેરવાના રેડિયમરીએકટર બેલ્ટ, નાની ટોર્ચ, ઠંડા-પીણા તથા ચા-પાણી-નાસ્તાની વ્યવસ્થા, ફ્રુટ, તડકાથી બચવા ટોપી, રાત્રી રોકાણ હોય તો ગાદલા-ગોદડાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ પદયાત્રા દરમિયાન અકસ્માત ન નડે તે માટે શું-શું ધ્યાન રાખવું તેની ખાસ સમજ પણ આ કેમ્પમાં આપવામાં આવી રહે. પદયાત્રીઓ હોળીના તહેવાર પર દ્વારકા પહોંચી દર્શન કરે છે. તસ્વીરમાં તાલુકા પોલીસે યોજેલા કેમ્પમાં એએસઆઇ આર. બી. જાડેજા અને ટીમ તથા પદયાત્રીઓ જોઇ શકાય છે.

(11:39 am IST)