સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th January 2022

કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ કચ્છ ના પશુધન માટે આશીર્વાદરૂપ બની :87 હજાર પશુઓની થઇ સારવાર

1962 હેલ્પલાઈનના પ્રારંભથી અત્યાર સુધીમાં જિલ્લામાં 20,646 ઈમરજન્સી કોલ રીસીવ કરાયા

કચ્છમાં માનવ વસતી કરતા પશુધનની વસતી ચડિયાતી છે. કચ્છ જિલ્લા પશુપાલન કચેરી દ્વારા 2019માં કરાયેલ ગણતરી મુજબ જિલ્લામાં ગાય, ભેંસ, ઘેટાં, બકરા, ઊંટ અને અન્ય જાનવરોની સંખ્યા કુલ 20,91,887 છે. ત્યારે માનવીની જેમ પશુઓને પણ અનેક બિમારી થતી હોય છે જેથી પશુઓ માટે પણ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની જેમ સ્થળ પર જ સારવાર મળે તે માટે કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં પણ પશુઓની સારવાર માટે 20646 ઈમરજન્સી કોલ અને મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરીના 5081 કોલ રીસીવ કરવામાં આવ્યા છે.

પશુઓને પણ માનવીની જેમ અનેક બાબતોના કારણે બિમારી થતી હોય છે. માનવી છે તે હોસ્પિટલ જઈ શકે છે અને સારવાર મેળવી શકે છે.પોતાના પશુને થયેલ બિમારી અંગે મોટાભાગના પશુપાલકોને તરત જ ખબર પડી જતી હોય છે. પરંતુ ઘણીવાર પશુને સારવાર માટે પશુ દવાખાને લઇ જવા માટે વાહન ઉપલબ્ધ ન હોવા સહિતની સમસ્યા ઉભી થતી હોય છે. જેથી પશુઓ માટે પણ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની જેમ સ્થળ પર જ સારવાર મળે તે માટે રાજય પશુપાલન વિભાગ દ્વારા મોબાઇલ વેટરનરી ડિસ્પેન્સરી ઉપરાંત કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરવામાં આવી છે.

કચ્છ જિલ્લામાં પશુઓ માટે કરૂણા એમ્બ્યુલન્સ એટલે કે મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી સેવા 1962 હેલ્પલાઈનનો પ્રારંભ 4 ઓકટોબર 2017માં કરવામાં આવ્યો હતો.રાજય સરકાર દ્વારા અબોલ પશુઓની સારવાર માટે 10 ગામદીઠ એક ફરતું પશુ દવાખાનું શરુ કરાયું છે. જે અંતર્ગત કચ્છ જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા 23 મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી કાર્યરત છે. આ સેવાના પ્રારંભથી અત્યાર સુધીમાં 87665 પશુઓની સારવાર કરવામાં આવી છે. મોબાઇલ વેટરનરી ડિસ્પેન્સરી દ્વારા ગાય, ભેંસ, ઘોડા, બકરાં, ઉંટ વગેરે પશુઓને સ્થળ પર જ સારવાર આપવામાં આવી છે.

કચ્છ જિલ્લામાં આ સેવા અંજાર તાલુકાના ભીમાસર ગામમાં, અબડાસા તાલુકામાં જખૌ, કરોડીયા મોટા, હાજાપર ગામમાં, ભચાઉ તાલુકામાં માય, વાંઢીયા ગામમાં, ભુજ તાલુકામાં માનકુવા, દહીસરા, ભીરંડીયારા, હોડકો, સેરવો ગામમાં, લખપત તાલુકામાં નારાયણ સરોવર, કોરીયાણી, પીપ્પર ગામમાં, નખત્રાણા તાલુકામાં વંગ અને જતાવીરા ગામમાં, માંડવી તાલુકામાં દેઢીયા અને રતાડીયા મોટા ગામમાં, મુંદરા તાલુકામાં કાંડાગરા મોટા અને રામાણીયા ગામમાં, રાપર તાલુકામાં સુવઈ, સઈ અને આડેસર ગામમાં કાર્યરત છે.

1962 કરૂણા એમ્બ્યુલન્સ એટલે કે મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી સેવા કચ્છ જિલ્લાના પ્રોજેક્ટ કોર્ડીનેટર યશ નાયકે etv Bharat સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, 1962 કરૂણા એનીમલ એમ્બ્યુલન્સની સેવા પણ પશુઓ માટે સંજીવની સમાન સાબિત થઈ રહી છે. 1962 હેલ્પલાઈનના પ્રારંભથી અત્યાર સુધીમાં જિલ્લામાં 20,646 ઈમરજન્સી કોલ રીસીવ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ 9772 પશુઓની સારવાર પણ કરાઈ છે.

પશુઓને ઘરબેઠાં પૂરતી સારવાર મળી રહે તે માટે જિલ્લામાં કરુણા એમ્બ્યુલન્સ અને મોબાઇલ વેટરનરી ડિસ્પેન્સરી ચાલુ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં મોબાઇલ વેટરનરી ડિસ્પેન્સરી જૂન 2020માં શરૂ કરવામાં આવી છે જેના મારફતે ફરતા પશુદવાખાના દ્વારા પશુઓની વિનામૂલ્યે સારવાર કરવામાં આવી રહી છે. ગત ડિસેમ્બર સુધીમાં કુલ 5081 ઇમરજન્સી કોલ રિસિવ કરાયા જેના મારફતે કુલ 87665 પશુઓની સારવાર કરવામાં આવી છે

(12:19 am IST)