સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th January 2020

મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના બહાને

મોરબીમાં ચાર વ્યકિતઓ પાસેથી ૩.૧૫ લાખ ખંખેરી લેનાર ઠગ વિશાલ પંચોલીની ધરપકડ

નગરપાલિકા અને મુખ્યમંત્રી યોજનાના નામવાળા બોગસ સિક્કા પોલીસે કબજે કર્યાઃ અનેક લોકો છેતરપીંડીનો ભોગ બન્યાની શંકાઃ વિશાલને રીમાન્ડ પર લેવા તજવીજ

મોરબી, તા.૨૯: મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના ખોટા સિક્કા બનાવી પહોંચ આપી મકાન આપી દેવાની લાલચ આપી ચાર વ્યકિતઓ પાસેથી ૩.૧૫ લાખની રોકડ ખંખેરી છેતરપીંડી આચરનાર ઠગની પોલીસે ધરપકડ કરી છે.

મોરબીના ઘુટું ગામના રહેવાસી જયશ્રીબેન સંજીવભાઈ ઉપાધ્યાયે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેની બહેનપણી વિનુબા રાઠોડે મુખ્યમંત્રી આવાસ યોજના અંગે જણાવ્યું હતું અને મકાન મેળવવા માટે ફરિયાદી જયશ્રીબેન અને તેના જેઠ સંજયભાઈ એચડીએફસી બેંક ચોકમાં આવેલ સુલેશ્વરી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓફિસમાં વિશાલ ભરત પંચોલીનો સંપર્ક કર્યો હતો જેને સરકારી આવાસ યોજનામાં મકાન માટે ૮૫,૦૦૦ ભરવાનું કહ્યું હતું અને બનાવટી સિક્કા તેમજ પહોંચ બનાવી તા. ૩૦-૦૯-૨૦૧૯ ના રોજ ૮૫,૦૦૦ ની રોકડ રકમ લીધી હતી તેમજ મકાન અપાવવાની લાલચે અન્ય ભોગ બનનાર અલ્પેશ મનુભાઈ મહેતા પાસેથી ૮૫,૦૦૦, મહેન્દ્રસિંહ રાઠોડ પાસેથી રૂ ૬૦,૦૦૦ અને સંદીપભાઈ પાસેથી રૂ ૮૫,૦૦૦ સહીત કુલ રૂ ૩.૧૫ લાખની રૂપિયા લઈને મકાન નહિ અપાવીને છેતરપીંડી આચરી છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે છેતરપીંડી અંગે ગુન્હો નોંધી આરોપી વિશાલ પંચોલીની ધરપકડ કરી છે.

આરોપી વિશાલે મોરબી નગરપાલિકા અને મુખ્યમંત્રી યોજના મોરબીના નામવાળા ગોળ સિક્કા અને સહી વાળી પહોંચ આપી હતી બાદમાં મકાન બાબતે રૂબરૂ અને ફોન કરીને વાત કરતા ખોટા બહાના બનાવતો હોય જેથી મોરબી નગરપાલિકામાં યોજનાની ઓફિસમાં તપાસ કરતા આ પહોંચ નગરપાલિકાની નથી અને આવાસ યોજનામાં પૈસા બેંકમાં ભરવાના હોય છે રોકડ લેવાતા નથી તેવી માહિતી મળી હતી અને તમને કોઈ મકાનની ફાળવણી કરાઈ નથી તેવી માહિતી મળતા છેતરપીંડી થઇ હોવાનો ખુલાસો થયો હતો અને બાદમાં અન્ય વ્યકિતઓ સાથે પણ ચીટીંગ થઇ હોય જેથી આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પકડાયેલ ઠગ વિશાલ પંચોલીએ અનેક લોકોને શિશામાં ઉતાર્યાની પોલીસને શંકા છે. પોલીસે વિશાલે બનાવેલ બે બોગસ સિક્કા કબ્જે કર્યા છે. પકડાયેલ વિશાલ પંચોલીને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરાઇ છે. વધુ તપાસ મોરબી એ ડીવીઝનના પી.આઇ.આર.જી. ચૌધરી ચલાવી રહ્યા છે.

(1:25 pm IST)