સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th January 2020

કચ્છમાં મનરેગાના કૌભાંડમાં પાંચ કર્મીઓ સસ્પેન્ડ

ફરિયાદ બાદ મૃતકોના નામે જોબકાર્ડ બનાવનારાઓએ ૧૬ લાખ રૂપિયા ભર્યા પણ કૌભાંડનો આંક કરોડ ઉપર

 

ભુજ તા. ૨૯ : જખૌ ગામે મનરેગા યોજના અંતર્ગત થયેલ કામોમાં સરપંચ, તલાટી સહિત ત્રણ સામે પોલીસ સ્ટેશને ગુનો નોંધાયા બાદ આ કામોમાં થયેલ કૌભાંડે ખળભળાટ મચાવ્યો છે. ગત ડિસેમ્બરમાં થયેલ ફરિયાદ બાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ તપાસ હાથ ધરી હતી. જે તપાસના અંતે મનરેગા યોજનાના બે કોઓર્ડીનેટર અને ત્રણ ટેકિનકલ આસિસ્ટન્ટ સહિત પાંચ કર્મચારીઓને ફરજ મોકૂફ કરાયા છે.

જખૌ પોલીસ સ્ટેશને ગામના વ્યાપારી જતીન રમેશ લાલકાએ ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાવી હતી. કૌભાંડમાં મૃતકોના નામે જોબ કાર્ડ બનાવીને પૈસા ઉસેડી લેવાયા હતા. ગ્રામવિકાસ એજન્સીએ કોઓર્ડીનેટર મયુરધ્વજસિંહ જામસિંહ ઝાલારાણા, ગોવિંદ પરસોત્ત્।મ ભાનુશાલી, ટેકિનકલ આસી. રમેશ શાંતિલાલ પટેલ, મિતેશ નવીન દડગા, વિપુલ કલ્યાણજી પટેલને સસ્પેન્ડ કર્યા હતા.

આ કર્મીઓએ ખુલાસાઓ રજૂ કરી ૧૬ લાખ રૂપિયા ભરી નાખ્યા હતા. પણ, તપાસ દરમ્યાન તેઓ દોષિત જણાતાં તેમના ખુલાસાઓ ગ્રાહ્ય રખાયા નહોતા અને કૌભાંડનો આંક પણ કરોડની બહાર હોઈ શિક્ષાત્મક પગલાં ભરાયા હતા.

(11:05 am IST)