સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th December 2020

ઇન્કમ ટેક્ષ વિભાગના બનાવટી પત્રથી બાબરા પોસ્ટ ઓફિસના નાની બચત ના એજન્ટના ખાતા ફ્રીઝ થયા

(મનોજ કનૈયા દ્વારા) બાબરા, તા. ર૮ :  કોઈ ગુનાહિત માનસિકતા ધરાવતી વ્યકિતએ બાબરા સ્થિત પોસ્ટ ઓફિસ ના નાની બચત ના એજન્ટ રેખાબેન એમ. રાયચુરાને હેરાન કરવાના હેતુથી અમદાવાદ ની ઇનકમ ટેકસ ઓફિસ ના નામે ડુપ્લિકેટ પત્ર બનાવી, અમરેલી હેડ પોસ્ટ ઓફિસ ને સાદી ટપાલ મા મોકલી નાની બચત એજન્ટ ના પોસ્ટ ઓફિસ ના ખાતા ફ્રીઝ કરાવી દીધા છે.

ઇનકમ ટેકસ વિભાગ ના બનાવટી લેટર હેડ તથા ચારેક વર્ષ પહેલાં ઈનકમ ટેકસ વિભાગ માંથી નિવૃત્ત્। થયેલ અધિકારી રાની નાયર ની સહી ધરાવતા આ બોગસ પત્ર ના આધારે પોસ્ટ વિભાગે ખરાઈ કર્યા વિના રેખાબેન એમ. રાયચૂરા ના ખાતા દિવાળીના તહેવારો દરમિયાન ફ્રીઝ કર્યા જેનાથી તેમને અઢી મહિના રોજગારી ગુમાવવી પડી અને ભારે માનસિક હાલાકી ભોગવવી પડી.

લેટર શંકાસ્પદ લાગતા રેખાબેન ના પતિ દિપકભાઇ સેદાણી એ અમદાવાદમાંના વકીલ  આર. એન. સાવલીયા મારફત ઇનકમ ટેકસ વિભાગમાં તપાસ કરાવતા આવો કોઈ પત્ર કે આદેશ આયકર વિભાગ દ્વારા આપવામાં આવ્યો જ નથી એ વિગત બહાર આવી. ત્યારબાદ લાંબી વહીવટી પ્રક્રિયાઓ બાદ ઇનકમ ટેકસ વિભાગે લેખિતમાં આ વિગતની જાણ પોસ્ટ વિભાગને કરતા રેખાબેન ના ખાતાઓ ની લેવડ-દેવડ શરૂ કરવામાં આવી.

આમ, સમગ્ર બનાવને ધ્યાનમાં રાખતા અંદરના વ્યકિત એ જ આ હીન કૃત્ય કર્યું હશે તેવું માનવામાં આવે છે. આવો ગંભીર ગુનો ફરી ના બને અને નિર્દોષ વ્યકિત ને દંડ ના ભોગવવો પડે તે માટે પોલીસ ફરિયાદ ની તજવીજ શરૂ કરી છે, તેમજ આ બનાવ અંગે સાચી તપાસ થાય તે ભવિષ્ય માટે પણ ઈચ્છનીય છે.

(12:55 pm IST)