સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th December 2020

જુનાગઢ ડેરીએ પહોંચાડવાનું રૂ.પ લાખનું દૂધ જ શખ્સોએ સગેવગે કરી નાંખ્યું

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૮: જુનાગઢ ડેરીએ પહોંચાડવાનું રૂ. પ લાખનું દુધ ૪ શખસોએ સગેવગે કરી નાંખ્યાની ફરીયાદ પોલીસમાં થઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે, ઝારખંડનો ટ્રક ડ્રાઇવર અરવિંદ મહેશ અંગેએ ગત તા. રપ ના રોજ ભાણવડ અને જામજોધપુર સીલીંગ સેન્ટર ખાતેથી ટેન્કર જી.જે. ૦૧ સીટી ૯પ૭રમાં રૂ. પ લાખનું ૧૦ હજાર લીટર દુધ ભરી જુનાગઢ ઠંડી ખાતે પહોંચાડવાનું હતું.

પરંતુ અરવિંદ મહેશસીંગ તેમજ માણાવદરનો કેતન ઉર્ફે કાનો પ્રવિણભાઇ મકવાણા, તાલાલાના ગુંદરણ ગામનો મહેન્દ્ર ગોવિંદ સોલંકી અને એક અજાણ્યા શખ્સ રૂ. પાંચ લાખનું દૂધ રસ્તામાં બારોબાર સગેવગે કરી જુનાગઢ ડેરી ખાતે નહિ પહોંચાડીને ઠગાઇ- વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ રમેશભાઇ જીણાભાઇ પટેલે નોંધાવતા જુનાગઢ સી-ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વિશેષ તપાસ પી.એસ.આઇ. કે. એસ. ડાંગર ચલાવી રહ્યા છે.

(12:46 pm IST)