સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th December 2020

જૂનાગઢ ખાતે ગૌ-સેવા ગતિવિધી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા પંચગવ્ય પ્રશિક્ષણ

ગૌ આધારિત ૩૫ ઉત્પાદનોની પ્રેકટીકલ તાલીમ અપાશે

જૂનાગઢ તા.૨૮ : ગોબર મોબાઇલચીપ, ધુપબત્તી, મચ્છર ધુપબત્ત્।ી, મચ્છર કોઇલ, ગોબર દીવા, ઘન જીવામૃત, સેન્દ્રીય ખાતર સહિત ગાયના ગોબર અને ગૌમુત્રથી ઉત્પાદીત થતી ૩૫ વસ્તુઓની ૧૧૦ જેટલા ગૌ પ્રેમીઓ હાલ જૂનાગઢ ખાતે તાલીમ મેળવી રહ્યા છે.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ગૌસેવા ગતિવીધી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા પંચગવ્ય પ્રશિક્ષણ વર્ગનો જુના સ્વામીનારાયણ મંદિર ખાતે આજે રાષ્ટ્રીય કામધેનું આયોગના ચેરમેન ડો.વલ્લભભાઇ કથીરીયાએ ગૌ પુજન કરી પ્રારંભ કરાવ્યો હતો. તા.૨૯ ડિસેમ્બર સુધી વહેલી સવારે ૫-૧૫ થી ભોજન વિરામને બાદ કરી રાત્રીના ૧૦ કલાક સુધી ગૌ આધારિત ઉત્પાદનોની ગૌ પ્રેમીઓને તાલીમ અપાશે.

સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ગૌ શાળા ચલાવતા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા સાથે ગૌ પાલનમાં વિશેષ રસ-રૂચી લેતા પસંદગીથી તાલીમ લેવા આવેલ ૧૧૦ ગૌ પ્રેમીઓ માટે આ પ્રશિક્ષણ વર્ગ નવી દિશા ખોલશે. ગાયનું દુધ, ઘી, દહિં, ગૌમુત્ર અને ગોબર અર્થાત પંચગવ્યમાંથી ગોબર ચંપલ, ફોટોફ્રેમ, હુક સ્ટેન્ડ, ઘડીયાળ, વિવિધ મૂર્તિઓ સહિત ઉત્પાદીત થાય છે.

પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરાવતા ડો.વલ્લભભાઇ કથીરીયાએ કહ્યું કે, ગાયથી આરોગ્ય, પર્યાવરણ, સમાજકારણ, અર્થકારણ અને ખેતી સચવાય છે. આ ગૌ માતા કામધેનુંની શકિત છે. ભારતને આત્મનિર્ભર બનાવવા ખેતીને પેસ્ટીસાઇડ અને રાસાયણિક ખાતરોથી મૂકત બનાવવા સાથે ગામડા ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાની તાકાત ગૌ માતામાં છે.

હવે એ સમય આવી ગયો છે ગાય આધારિત ખેતી સાથે ગાય આધારિત ઉદ્યોગો, કાઉ ટુરીઝમ સહિતના નવા ક્ષેત્રો ખુલ્લી રહ્યા છે. ભારત સરકારે પણ પશુપાલન વ્યવસાયને પ્રાયોરીટી સેકટરમાં સમાવેશ કરેલો છે. આથી બેન્કો દ્વારા લોન મળશે. સ્ટાર્ટઅપ શરૂ થઇ શકે છે, તેમ ડો.કથીરીયાએ વધુમાં જણાવ્યું હતું.

આરએસએસના સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક મહેશભાઇ જીવાણીએ ગૌ સેવા ગતિવીધી, પર્યાવરણ ગતિવીધી,ગ્રામ વિકાસ ગતિવીધી સહિતની વિગતે ખ્યાલ આપી કહ્યું કે, સમગ્ર અર્થ વ્યવસ્થામાં ગૌ સેવા  મહત્વનું પાસુ છે. પશ્ચિમી અને ભારતીય સંસ્કૃતિની તુલના કરી તેમણે કહ્યું કે, ગૌ સેવામાં મોનોપોલી નથી. પોતાને આવડતી વસ્તુનો વિસ્તાર કરવાનો છે.

જૂના સ્વામીનારાયણ મંદિરના કોઠારી સ્વામીએ આશીર્વચન આપવા સાથે ગૌ પાલનનું મહત્વ સમજાવ્યું હતું. ચાર દિવસના પ્રશિક્ષણ વર્ગમાં અખિલ ભારતિય સહ સંયોજક ગૌ સેવા ગતિવીધી શ્રી અજીત પ્રસાદ મહાપાત્રએ ગૌ સેવાના આયામો અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત ૪ દિવસ દરમિયાન તાલીમ સાથે ગાયના ધાર્મિક અને શૈક્ષણિક દ્રષ્ટિકોણથી મહત્વ અંગે ગૌ પાલન સંવર્ધન, પંચગવ્યોનું મહત્વ ઘરેલું ઉપયોગો, ગૌ આધારિત ખેતી, ગાય આધારિત સંસ્કૃતિ રક્ષા, ગ્રામ વિકાસ, પંચગવ્ય ઉત્પાદન વેચાણ વ્યવસ્થા, ગૌ ઉર્જા, પંચ ગવ્ય લોકાયુર્વેદ, વર્તમાન સમયમાં ગાયનું મહત્વ સહિતની બાબતો અંગે આ ક્ષેત્રના વિદ્વાનો દ્વારા માર્ગદર્શન પ્રશિક્ષણ આપશે. આ પ્રસંગે ગૌ સેવા ગતિવીધીના પ્રાંત સંયોજક મેઘજીભાઇ હિરાણી, નાયબ પશુપાલન નિયામક ડો. દિલીપ પાનેરા સહિત ગૌ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડો.સાવલીયાએ કર્યું હતું.

(12:46 pm IST)