કેશોદના મોવાણા ગામે મકાનમાં ધમધમતુ જુગારધામ પકડાયુ : ૧૧ જુગારીની રૂ. ૨.૧૩ લાખની રોકડ સાથે ધરપકડ
ક્રાઇમ બ્રાંચના દરોડામાં બે કાર સહિત રૂ. ૬ લાખનો મુદ્દામાલ કબ્જે
(વિનુ જોષી) જૂનાગઢ તા. ૨૮ : કેશોદના મોવાણા ગામે મકાનમાં ધમધમતુ જુગારધામ ક્રાઇમ બ્રાંચે પકડી પાડી ૧૧ જુગારીની રૂ. ૨.૧૩ લાખની રોકડ તેમજ બે કાર સહિત રૂ. ૬ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરતા જુગારી આલમમાં હલચલ મચી ગઇ હતી.
કેશોદ તાલુકાના મોવાણા ગામે રહેતો ચંદ્રકાંત મોહનલાલ મારડીયા તેના ખેતરના રહેણાંક મકાનમાં જુગાર રમાડતો હોવાની બાતમી મળતા ગતરાત્રે એસપી રવિ તેજા વાસમની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એચ.આઇ.ભાટીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. ડી.જી.બડવાએ સ્ટાફ સાથે દરોડો પાડયો હતો.
જેમાં જુગારધામનો સંચાલક ચંદ્રકાંત મારડીયા તેમજ મુસા ઇસ્માઇલભાઇ જેઠવા - માંગરોળ, મહમદ આમદ ઘાંચી - માંગરોળ, મહમદહુસેન હાસમ સવેટીયા - માંગરોળ, હારૂનભાઇ આમદ વશમ - માંગરોળ, અબુબકર સુલેમાનભાઇ - અબુબકર રે. હુસેનાબાદ, ભરત રામજીભાઇ વંશ - વિસણવેલ, રાજેશ અજાભાઇ પરમાર - ચમોડા, લખુભાઇ અરજણ નંદાણીયા - રે. ચુલડી, રાયમલ દેવદાનભાઇ બકોત્રા - ડેરવાણ અને સરમણ ખીમાભાઇ વંશ - ચોરવાડને રૂ. ૨,૧૩,૬૪૦ની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા.
ક્રાઇમ બ્રાંચે જુગારીઓ પાસેથી રોકડ તેમજ ૧૫ મોબાઇલ ફોન અને બે કાર સહિત કુલ રૂ. ૬,૨૨,૪૯૦નો મુદ્દામાલ કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.