સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th December 2020

ચોટીલામાં ઠંડી ઉડાડતા તસ્કરો ત્રણ દુકાનમાં તૂટ્યા તાળા

ચોટીલા તા.૨૮:  ચોટીલામાં મુખ્ય બજારમાં કડકડતી ઠંડીમાં ત્રણ દુકાનોના તાળા તોડી રોકડ ચોરી થતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

ચોટીલા શહેરમાં અનેક ચોરીનાં ગૂનાઓ પોલીસ ચોપડે ચડેલ નથી તો અનેક ચોરીઓ હજુ વણ ઉકેલ છે તેમ છતા રવીવારનાં આણંદપુર રોડ અને ખાંડી પ્લોટ વિસ્તારમાં તસ્કરોએ તાળા તોડી ચોરી કરતા વેપારીઓમાં પેટ્રોલીંગ સામે સવાલ ઉઠેલ છે.

શનિવાર ની રાત્રી થી રવિવાર ના સવાર દરમિયાન ટાવર ચોક થઈ આણંદપુર રોડ ઉપર આવેલ મહાવીર કોમ્પલેક્ષમાં પ્રમુખ દવાખાનું તેમજ ખાંડી પ્લોટમાં રત્નદીપ રેડીમેઇન્ટ કપડાની અને ચામુંડા ટ્રેડર્સ નામની ખાઘ તેલની દુકાન તસ્કર ટોળીનું નિશાન બની છે.

ચોર ટોળકીએ ગણેશીયા જેવા કોઇ સાધન વડે શટરનાં લોક ને તોડી દૂકાનમાં પ્રવેશ કરી ફકત રોકડ રકમ ઉપર જ નિશાન બનાવેલ છે જેમા કપડાની દુકાનમાંથી રૂ. ૫૦૦૦,તેલની દુકાનમાંથી ૪૨૦૦ અને દવાખાનામાંથી ૩૫૦ મળી ૯૫૦૦ રોકડાની ચોરી થયેલ છે. સદનસીબે મોટી રોકડ બચી ગયેલ છે.

પોલીસે હાલ સીસીટીવી કેમ નથી તેવા સવાલો સાથે ઘટના સ્થળે દોડી ગયેલ છે

તો ચેમ્બર્સનાં આગેવાન સાથે વેપારીઓ ચોરીની ફરીયાદ કરવા પોલીસ મથકે દોડી ગયેલ અને રાબેતા મુજબ તપાસનું આશ્વાસન મળેલ હતું જોકે મોડી સાંજ સુધી પોલીસ ચોપડે ચોરી ન નોંધાતા આશ્ચર્ય ફેલાયેલ છે.

ખાંડી પ્લોટમાં માં થોડા સમય પહેલા પણ એક દવાખાનામાં પાછળનાં દરવાજેથી પ્રવેશ કરી મોટી રકમની ચોરી થયેલ પરંતુ તેનો ગૂનો હવામાં ઓગળી ગયેલ છે. ત્યારે ઠંડીના દિવસોમાં તસ્કરો વધુ તરખાટ મચાવે નહી તેની સામે પોલીસનું સચોટ અને સઘન પેટ્રોલીંગ બને તેમજ હોમગાર્ડ, અને જીઆરડી સાથે પોલીસને બંદોબસ્ત અપાય, અધિકારીઓ ક્રોસ ચેકીંગ રાખે તેવી વેપારી આલમમાં માંગ ઉઠી છે.

(11:37 am IST)