સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th December 2020

શ્રીરામ જન્મભુમિ નિધિ સમર્પણ અભિયાન વિશ્વનું સૌથી મોટું જનસંપર્ક અભિયાન હશે : પ. પુ આત્માનંદજી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,  તા.૨૮:  તા. ર૭-૧ર-ર૦ર૦ને રવિવારના રોજ શ્રી રામ જન્મભૂમિ નિધિ સમર્પણ સમિતિ ભાવનગર તેમજ બોટાદ જિલ્લા દ્વારા શ્રી લક્ષ્મણ મંદિર દેવજી ભગતની ધર્મશાલા, વડવા, ભાવનગર ખાતે બોટાદ ભજનાનંદ આશ્રમ સ્વામીશ્રી આત્માનંદ સરસ્વતીજીના અધ્યક્ષ સ્થાને સંત સંમેલન યોજાયું હતું, જેમાં સંત શ્રી ગરીબરામબાપુ, શ્રી રવુબાપુ, શ્રી રમજુબાપુ, શ્રી ઓલીયા બાપુ, શ્રી એસ.પી સ્વામી, શ્રી લક્ષ્મણદાસજી ઉપરાંત કથાકાર શ્રી રમેશભાઈ શુકલ તેમજ વિષ્ણુદાસબાપુ દાણીધારીયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ સંત સંમેલનમાં ભાવનગર-બોટાદ જિલ્લાના વિવિધ આશ્રમો તેમજ જગ્યાઓના સાધુ-સંતોએ હાજરી આપી હતી .

પ. પુ. આત્માનંદ સરસ્વતીજીએ સમર્પણ જન સંપર્ક યોજના અંતર્ગત ભાવનગર અને બોટાદ જિલ્લામાં પણ ચાલનાર અભિયાન અંગે માહિતી આપતાં કહ્યું હતું કે ૧પ જાન્યુઆરી મકરસંક્રાતિના પર્વથી ર૭ ફેબ્રુઆરી સંત રવિદાસ જયંતિ અને મહા મહિનાની પૂનમ સુધી ચાલનાર અભિયાન વિશ્વનું સૌથી મોટું જન સંપર્ક અભિયાન હશે. જેમાં ૬૪ર ગામ, ર.પ લાખ પરિવાર અને રર લાખ હિન્દુઓનું સંપર્ક કરીને તેમના સહયોગથી ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ કરીશું. ભાવનગર અને બોટાદ જિલ્લામાં પણ નિધિ સંગ્રહ અભિયાન ૧પ જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. જે માટે જિલ્લાના દરેક ગામમાં નિધિ સંગ્રહ કાર્યાલય પણ શરુ કરવામાં આવશે. જેના માટે નિધિ સંગ્રહ સમિતિ પણ બનાવવામાં આવી છે.

વર્ષોના સંઘર્ષ બાદ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના ભવ્ય નિર્માણ માટેના આયોજન અંગે વિસ્તૃત માહિતી તેમજ સમસ્ત હિન્દુ સમાજ પાસેથી નિધિ એકત્રીકરણ કરવા માટે દરેક હિન્દુ મંદિરો તેમજ દેવસ્થાનો આગળ આવે અને લોકો ઉદાર હાથે પોતાનો આર્થિક સહયોગ આપે તે માટે સંતોને પોતાના સેવક સમુદાયને આહવાન કરવા માટેની અપીલ શ્રી આત્માનંદ સરસ્વતીજી દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ. પુ. રામચંદ્રદાસજીએ કર્યું હતું.

(10:19 am IST)