સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th December 2020

કચ્છ કોંગ્રેસમાં ભૂકંપ : પેટા ચૂંટણીમાં હારનું ઠીકરૂ ફોડતા અબડાસાના મુસ્લિમ હોદ્દેદારોએ રાજીનામા ફગાવ્યા

જો, આવું જ રહ્યું તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષનો પરાજય થવાની શકયતા વ્યકત કરાઇ

ભુજ તા. ૨૮ : હાલમાં જ અબડાસા ની પેટા ચુંટણીમાં કોંગ્રેસની આ પરંપરાગત બેઠક ઉપર હાર થઈ હતી. દરમ્યાન ગઇકાલે સોશ્યલ મીડિયામાં અબડાસા કોંગ્રેસના ત્રણ લઘુમતી નેતાઓએ આપેલા રાજીનામા ના વાયરલ થયેલા પત્રોએ કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ સજર્યો છે. રાજીનામું ફગાવનાર ચાર આગેવાન મુસ્લિમ નેતાઓ પૈકી અબડાસા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ઇકબાલ મંધરાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને સ્પષ્ટ જણાવ્યું છે કે, કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રભારીઓ અને પાર્ટીના બની બેઠેલા આગેવાનો દ્વારા કરાતી ટીકા ટિપ્પણીઓ માં હારની દોષનો ટોપલો પક્ષના મુસ્લિમ આગેવાનો ઉપર ઢોળી દેવાય છે.

કોંગ્રેસના વફાદાર લઘુમતી આગેવાનો વિરૂદ્ઘ કરાતી આવી ટિપ્પણીઓ થી પોતે નારાજ છે. હજુ આવું જ રહેશે તો સ્થાનિક સ્વરાજયની ચૂંણીઓમાં કોંગ્રેસનો ઘોર પરાજય થવાની પૂરી શકયતા છે. લખપત તાલુકા કોંગ્રેસ પ્રમુખ હાસમ નોતિયારે હારના કારણ ઉપરાંત તબિયત અસ્વસ્થ હોવાનું જણાવી રાજીનામું આપ્યું છે. તો, અબડાસા કોંગ્રેસ પ્રમુખના સમર્થનમાં અબડાસા યુવક કોંગ્રેસના પ્રમુખ અભુ હિંગોરા, અબડાસા કોંગ્રેસના લઘુમતી સેલ અને કિસાન સેલના પ્રમુખ સાલેમામદ હાલેપોત્રા એ રાજીનામું આપ્યું છે.

આમ એક સાથે ચાર ચાર આગેવાનોએ ફગાવેલા રાજીનામાને કારણે કચ્છ કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે.

(11:04 am IST)