સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th December 2020

પુનનિર્માણ

એક મોટુ નગર હતુ. નગરની બાજુમાં એક વિશાળ નદી વહેતી હતી. નદીને કિનારે એક ખૂબ પ્રાચીન મંદિર હતુ. અતિ પ્રાચીન હોવાને કારણે મંદિર સાવ જીર્ણદશાને પામ્યુ હતુ. મંદિર એટલી હદે જીર્ણશીર્ણ બની ગયુ હતુ કે, મંદિરમાં પુજા અને દર્શન માટે પ્રવેશવુ પણ હવે જોખમી લાગતુ હતુ. મંદિર કે મંદિરનો કોઇ ભાગ હવે ગમે ત્યારે ધરાશાયી બની જાય તેવી શકયતા હતી જ.

મંદિરના સંચાલન માટે એક સંચાલક સમિતી હતી. આ સમિતિના સભ્યોએ સાથે મળીને મંદિરની મુલાકાત લીધી અને મંદિરની અવસ્થાનું નિરીક્ષણ કર્યુ. આ સભ્યોએ હવે મંદિરનું શું કરવુ તેનો નિર્ણય કરવા માટે એક પેટા સમિતિની રચના કરી. પેટાસમિતિએ મંદિરનું ઝીણવટથી નિરીક્ષણ કર્યુ અને હવે પછી શું કરવુ જોઇએ તે માટે પોતાનો મત જણાવ્યો. પેટા સમિતિએ એવો મત પ્રગટ કર્યો કે આ મંદિરનું સમારકામ હવે થઇ શકે તેમ નથી. મંદિર એટલી હદે જીર્ણશીર્ણ બની ગયુ છે કે, હવે સમારકામ દ્વારા મંદિરને બચાવી શકાય તેમ નથી. તેથી સમિતિ એવો મત દર્શાવે છે કે, મંદિરનું પુનઃનિર્માણ કરવુ જોઇએ. મંદિરની નવેસરથી રચના કરવી જોઇએ.

આ પેટા સમિતિએ પોતાનો આ અહેવાલ મંદિરની સંચાલક સમિતિ સમક્ષ રજૂ કર્યો. સંચાલક સમિતિએ અહેવાલનો અભ્યાસ કર્યો. હવે પછી શું કરવુ તેનો નિર્ણય કરવા માટે સંચાલક સમિતિની બેઠક મળી. ખૂબ વિચારણાને અંતે સંચાલક સમિતિએ સર્વાનુમતે નીચે પ્રમાણે નિર્ણયો લીધા.

૧.      મંદિરનુ પુનઃનિર્માણ કરવુ અર્થાત મંદિરની સાવ નવેસરથી રચના કરવી.

ર. નવુ મંદિર તે  જ સ્થાને બનાવવુ, જે સ્થાને અત્યારે મંદિર છે.

૩.      મંદિર આબેહુબ તેવુ જ બનાવવુ જેવુ અત્યારે છે.

૪.      જૂના મંદિરને યથાવત જાળવી રાખવુ. તેનો એક પણ પથ્થર તેની મૂળ જગ્યાએથી ખસેડવો નહિ.

કહો, હવે મંદિરનું પુનનિર્માણ થાય કેવી રીતે? જૂના મંદિરને યથાવત જાળવીને, તેનો એક પણ પથ્થર તેના મૂળ સ્થાનેથી ખસેડવો નહિ. આ શરત પાળીને તે જ સ્થાને નવા મંદિરનું નિર્માણ થઇ શકે? રોટલો ખાવાની છુટ છે, પરંતુ રોટલો ભાંગવાની છુટ નથી. આવી શરત સાથે રોટલો ખાવો કેવી રીતે?

વસ્તુતઃ પ્રથમ ત્રણ નિર્ણયો બરાબર છે પરંતુ ચોથો નિર્ણય પ્રથમ ૩ નિર્ણયોને અમલમાં મુકવાનુ કાર્ય અશકય બનાવી મુકે છે. ચોથા નિર્ણયને માન્ય રાખીએ તો મંદિરનું પુનઃનિર્માણ થઇ શકે જ નહિ. જૂના મંદિરના અવશેષોને જીર્ણશીર્ણ પથ્થરોને ત્યાથી ખસેડયા વિના તે જ સ્થાને નવા મંદિરનુ નિર્માણકાર્ય થઇ શકે કેવી રીતે? મંદિરની સંચાલક સમિતિએ ચોથો નિર્ણય એ હેતુથી જ કર્યો હોય એમ લાગે છે કે, મંદિર બનાવવાની તેમની દાનત જ નહિ હોય! પ્રથમ ત્રણ નિર્ણયોને રદબાતલ કરવા માટે જ તેમણે ચોથો નિર્ણય કર્યો હોય તેમ લાગે છે!

નવસર્જન માટે જો જૂનાનો ત્યાગ આવશ્યક હોય તો તેમ કરવાની તૈયારી રાખવી જોઇએ અને તેમ કરવાની હિંમત દાખવવી જોઇએ. જૂનુ હંમેશા ત્યજય જ છે તેમ નથી અને જુનુ છે તે સર્વ તોડી જ નાખવુ જોઇએ કે તેનો ત્યાગ કરવો જોઇએ તેમ પણ નથી પરંતુ નવરચના માટે જો અને જયારે જુનુ બાધારૂપ લાગતુ હોય ત્યારે જૂનાનો ત્યાગ કરતા અચકાવુ ન જોઇએ. જે જુનુ ત્યજય હોય તેનો અવશ્ય ત્યાગ કરવો જોઇએ.

વ્યકિત, સંસ્થા, સમાજ, કુટુંબ કે રાષ્ટ્રના જીવનમાં કયારેક એવી કટોકટીનો સમય આવે છે, જયારે તેમણે જૂનાનો ત્યાગ કરવાનો કઠોર નિર્ણય લેવો પડે છે. આ સમયે એવુ પણ હોય છે કે જૂનાનો ત્યાગ કરાય તો જ નવનિર્માણ શકય બને છે. તો જ આગળનો વિકાસ શકય બને છે તે વખતે શું કરવુ? જો જૂનાનો ત્યાગ ન કરવામાં આવે તો આગળની વિકાસયાત્રા રૃંધાઇ જતી હોય ત્યારે શું કરવુ? ત્યારે જૂનાનો ત્યાગ ધર્મ બની જાય છે.

નવા મંદિરના નિર્માણ માટે જૂના મંદિરના અવશેષો તે સ્થાનેથી ખસેડવા પડે છે અને નવા મંદિરના નિર્માણ માટે જૂના મંદિરના જીર્ણશીર્ણ પથ્થરો તે સ્થાનેથી ખસેડવાની હિંમત દાખવવી જોઇએ.

નવા ઘાટની રચના માટે કયારેક જૂના ઘાટને તોડવો આવશ્યક હોય છે. જૂના ઘાટને તોડવા માટે આપણે હાથમાં ધણ લઇને ઘા કરવો પડે છે. જીવનમાં જયારે ઘણ હાથમાં લઇને ઘણનો ઘા મારવો આવશ્યક હોય ત્યારે તેમ કરતા અચકાવું ન જોઇએ.

જીવનવિકાસની પ્રક્રિયાનું સ્વરૂપ જ એવુ છે કે વિકાસ માટે પરિવર્તન અનિવાર્ય છે. જે પરિવર્તન માટે તૈયાર ન હોય તે વિકાસ સાધી ન શકે. જે જૂનુ છોડવા તૈયાર ન હોય તે નવુ પામી ન શકે. સીડી દ્વારા અગાશીમાં પહોચાય છે. તેથી સીડીનુ મહત્વ છે જ, પરંતુ જે સીડીને પકડી રાખે જે સીડી છોડવા તૈયાર જ ન થાય તે અગાશી સુધી પહોચી જ ન શકે.

બીજ જો પોતાનુ બીજ સ્વરૂપ છોડે નહિ તો તે છોડ બની શકે નહિ. ફુલમાંથી ફળ તો જ બની શકે જો ફુલ કરમાઇને ખરી પડવા માટે તૈયાર હોય.

જીર્ણના સ્થાને નવરચના થતા તે માટે જીર્ણે પોતાના સ્થાનેથી ખસીને નવાને સ્થાન આપવુ પડે છે. તો જ નવરચના શકય બને છે.

નવા મંદિરની રચના માટે જૂના મંદિરના જીર્ણશીર્ણ પથ્થરો તે સ્થાનેથી હટાવવા જ પડશે.

ભાણદેવ

સરસ્વતિ નિકેતન આશ્રમ,

પટેલ વિદ્યાલય પાસે, જોધપર (નદી)

વાયા મોરબી - ૩૬૩૬૪૨ (મો.૯૩૭૪૪૧૬૬૧૦)

(9:35 am IST)