સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th November 2018

જામનગરમાં ર૭ મીથી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમઃ ૧૮૬પ૭પ બાળકોની થશે તપાસ

જામનગર, તા., ૧૯:  જિલ્લામાં વર્ષ ર૦૧૮-૧૯ દરમ્યાન શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમ આગામી તા.ર૭-૧૧-ર૦૧૮ થી તા.૧-ર-ર૦૧૯ સુધી શાળાના બાળકોની આરોગ્ય તપાસ કામગીરી કરવામાં આવશે. જેમાં જિલ્લાની તમામ માધ્યમીક પ્રા. શાળાના તથા આંગણવાડીના મળી કુલ ૧૮૬પ૭પ બાળકોને પ્રા.આ. કેન્દ્રના આરોગ્ય સ્ટાફ તથા મેડીકલ ઓફીસર દ્વારા આરોગ્ય તપાસ કરવામાં આવશે. જે પૈકી સંદર્ભ સેવાવાળા બાળકોને વધુ સેવા માટે રીફર કરી સંપુર્ણ સારવારની સુવિધા પુરી પાડવામાં આવશે.

સમગ્ર જિલ્લામાં ચાલનારા શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમનું યોગ્ય રીતે સંચાલન થાય તે માટે કલેકટરશ્રી રવિશંકર (આઇએએસ) તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રશસ્તી પારીક (આઇએએસ) અને આરોગ્ય વિભાગની માર્ગદર્શક સુચના મુજબ શાળા તપાસનું શાળા વાર આયોજન કરેલ છે. આ કાર્યમાં આરોગ્ય તેમજ અન્ય વિભાગને પણ શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમમાં સાંકળી લઇ લગત કામગીરી સમયસર કરવા પત્ર દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ છે. તમામ વિભાગોએ આ કાર્યમાં સંપુર્ણ સહભાગી બની કામગીરી કરવાની રહેશે. આ કાર્યક્રમ દરેક સ્કુલમાં શાળા આરોગ્ય સપ્તાહ તરીકે ઉજવણી કરવામાં આવશે લગત ગામમાં દિવસવાર કાર્યક્રમ આ મુજબ છે.

જેમાં પ્રથમ દિવસે ગામ તથા શાળાની સફાઇ, પાણીના સ્ત્રોત, ગટરની સફાઇ, ઔષધીય વૃક્ષારોપણ, પ્રદર્શન બીજો દિવસ બાળકોની પ્રાથમીક તપાસ, આરોગ્ય શિક્ષણ, બાળકોનું ઉંચાઇ-વજન, ત્રીજો દિવસ ન્યુટ્રીશન દિવસ, આરોગ્ય લગત હરીફાઇ, દાદા-દાદી મીટીંગ, ચોથો દિવસ બાળકોની આરોગ્ય તપાસ, વાલી મીટીંગ અને પાંચમો દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમ, આરોગ્યપ્રદ રમતો, વકતૃત્વ સ્પર્ધા, ગ્રા.સં. સમીતી મીટીંગ, પુર્ણાહુતી કાર્યક્રમ યોજાશે.

પ્રા.આ. કેન્દ્રના મેડીકલ ઓફીસર દ્વારા બાળકોની આરોગ્ય તપાસ કરી સંદર્ભ સેવાની જરૂરીયાતવાળા બાળકોને વધુ તપાસ અર્થે તાલુકા કક્ષાએ જી.જી.હોસ્પીટલની ખાસ ડોકટરોની ટીમ દ્વારા બાળરોગ નિષ્ણાંત, જનરલ ફીજીશીયન, આંખના નિષ્ણાંત, નાક-કાન ગળાના નિષ્ણાંત તથા દાંતના ડોકટરોની ટીમ દ્વારા બાળકોની તપાસ કરવામાં આવશે. તાલુકા કક્ષાએ ટીએચઓ દ્વારા આ કામગીરીનું સંકલન કરી વધુ સારવાર વાળા બાળકોને રાજયની હોસ્પીટલોમાં કે અન્ય રાજયોની હોસ્પીટલોમાં વિના મુલ્યે સારવાર પુરી પાડવામાં આવશે.

જામનગર જિલ્લામાં ગત વર્ષ ર૦૧૭-૧૮ દરમ્યાન શાળા આરોગ્ય તપાસ દરમ્યાન ગંભીર રોગવાળા કેન્સરના-ર૭, હ્રદય રોગના -૧ર૭, કીડનીના-રર, થેલેસેમીયા-૬ તથા અન્ય બાળ રોગના-૪૩ આમ કુલ ૨૨૫ બાળકોને સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા વિના મુલ્યે સારવાર પુરી પાડવામાં આવેલ હતી.લોકોને જાણકારી માટે પ્રચાર-પ્રસારની કામગીરી જેવી કે આશાબહેનો દ્વારા, સપ્તધારા, પ્રદર્શન, બેનર, ફોલ્ડર, પોસ્ટર, માઇક પ્રચાર, જુથ મીટીંગ, શિબિરો કે રૂબરૂ જાણકારી દ્વારા આપવામાં આવે છે.જામનગર જિલ્લાની જાહેર જનતાને કલેકટરશ્રી રવિશંકર (આઇએએસ) તથા જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીક (આઇએએસ) ની સંયુકત અપીલમાં જણાવવામાં આવે છે કે તમારા વિસ્તારના માધ્યમીક, પ્રા.શાળાના તથા આંગણવાડીના બાળકોની તપાસ માટે આરોગ્ય વિભાગની ટીમ તમારા ગામમાં આવે ત્યારે તમારા બાળકોની તપાસ કરાવી લેવા વાલીઓને વિનંતી કરવામાં આવે છે.એમ ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.એ.જી. બથવારની યાદી જણાવે છે.

(1:43 pm IST)