સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th November 2018

જુનાગઢ પાણીની સમસ્યામાંથી મૂકત થશેઃ વોટર કન્ટ્રોલ રૂમ શરૂ કરાશે

વિવિધ વિકાસ કામોને સ્ટેન્ડિગ કમીટી બેઠકમાં લીલીઝંડી

 જુનાગઢ તા.ર૦ : જુનાગઢ મહાનગર પાલિકાની સ્ટેન્ડિગ કમીટી બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આગામી સમયમાં પાણી વ્યવસ્થાને પહોંચી વળવા વોટર કંટ્રોલ રૂમ શરૂ કરવા, વિવિધ વિસ્તારમાં વિકાસ કામો સહિતની ૧૦ દરખાસ્તો મંજુર કરવામાં આવી હતી.

આ ઉપરાંત જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા ભ્રષ્ટાર સામે ઝીરો ટોલરન્સ સમાનિર્ણયને અભિનંદન ઠરાવ પસાર કરવામાં આવેલ.

જુનાગઢ મહાનગરપાલિકા સ્થાયી સમિતિ કાર્યાલય ખાતેથી એક અખબારી યાદીમાં જણાવેલ છે. કે જુનાગઢ મહાનગરપાલીકાની સ્થાયી સમિતિની બેઠક ચેરમેન નિલેશભાઇ ધુલેશીયાની  અધ્યક્ષતામાં મળેલ હતી, જેમાંં મહાનગરપાલિકાના નાયબ કમિશનરશ્રી તથા સર્વે શાખાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેલ.જેમાં વોર્ડ નં. ૬માં આવેલ સાંઇબાબા એપા.થી નાથાભાઇ મોરીના મકાનથી ડો.ભીમાણીના દાવાખાના સુધી રસ્તાના કામને મંજુરી આપવામાં આવેલ.

દાણાપીઠ દરગાહવાળા ચોકથી મહાલક્ષ્મી મંદિરથી ઢાલ રોડને સીસીરોડને બદલે પેવર રોડથી મઢવાની કામગીરીને મંજુરી આપવામાં આવેલ છે.

રાજય સરકારશ્રીની ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી વિકાસકામો કરવાની યોજના અન્વયે વોર્ડ નં. ૧પમાં આવેલ હરીઓમ સોસાયટી ગોકુલધામ-ર વિસ્તારમાં કામગીરી કરવા અંદાજીત રકમ રૂ.૧૬ લાખના કામને મંજુરી આપવામાં આવેલ છે.

સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજયની મહાનગરપાલિકાઓમાં વસ્તીના પ્રમાણમાં આરોગ્ય સેવા પુરી પાડવાના શુભહેતુને ચરીતાર્થ કરવા માટે ગુજરાત અર્બનહેલ્થ પ્રોજેકટ અંર્તગત જુનાગઢ મહાનગર પાલિકામાં મેડીકલ ઓફીસર-ર, ગાયનેક-૧, પીડીયાટ્રીશયન-૧, સીનીયર કલાર્ક-૧, સ્ટાફનર્સ-૭, એકસરે ટેકનીશ્યન-૧ સહીતની જગ્યાઓ ભરવાની મંજુરી આપવામાં આવેલ છે.

જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી દિવસોમાં પાણીની વ્યવસ્થાને તથા તંગીને પહોંચી વળવા માટે વોટર કન્ટ્રોલ રૂમ શરૂ કરવા માટે પણ તંત્રને તાકીદે કાર્યવાહી કરવા જાણ કરવામાં આવેલ છે.

રાજય સરકારશ્રીની સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના અંર્તગત જુનાગઢ મનપાને મળેલ ગ્રાન્ટ અન્વયેના વોર્ડ નં.૧ થી ર૦ ના જનરલ, એસસીએસપી, ટીએએસપી હેડના કુલ આશરે રૂ. ૯ કરોડના કોર્પોરેટરશ્રીઓ દ્વારા સુચવાયેલા વિકાસકામોને મંજુરી આપવામાં આવેલ છે.જુનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ કમિશનરશ્રીએ આચરેલ ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરોટલરન્સથી જે પ્રકારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તત્કાલ કાર્યવાહી કરેલ છે, અને સમગ્ર ગુજરાતમાં દાખલારૂપ કિસ્સો બેસાડેલ છે જે બદલ રાજય સરકાર તથા શહેરી વિકાસમંત્રાલયનો આભાર અને અભિનંદન પાઠવતો ઠરાવ આજરોજ સ્થાયી સમિતિ દ્વારા અધ્યક્ષસ્થાને કરવામાં આવેલ છે પાવનકારી, પ્રકૃતિ, પરમાત્મા અને પુરૂષાર્થના સાક્ષાત્કાર સમી ગિરનારની લીલીપરિક્રમા પરિક્રમાર્થીઓને પ્લાસ્ટીક મુકત/વ્યસનમુકત રીતે કરી સાચું પુણ્યનું ભાથું બાંધવા અને પ્રકૃતિને સંરક્ષીત, સુરક્ષીત અને લીલીછમ રાખી પ્રકૃતિમય પરીક્રમા કરવા પરીક્રમાર્થીઓને સ્થાય સમિતી ચેરમેન નિલેશભાઇ ધુલેશીયાએ અપિલ કરેલ છે. તેની કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયું છે.

(1:40 pm IST)