સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th November 2018

કોડીનારના ચીડીવાવ ગામે દારૂનો આથો ગટગટાવતા બકરાનું મોત

આથાની મહેફિલ માણી : ત્રણ બકરા બેભાન

કોડીનાર, તા. ર૦ : તાલુકાના ચીડીવાવ ગામે બકરાઓએ પાણીની જગ્યાએ દેશી દારૂના આથા ભરેલા ડબ્બામાં મોઢુ નાખી પાણીની જગ્યાએ આથો ગટટાવી જતા ૧ બકરાનું મૃત્યુ થયું હતું, જયારે ૩ થી વધુ બકરા ભારે નશાના કારણે બેભાન થયા હતા.

ગામના માલધારી જેસાભાઇ પરમાર રોજની જેમ પોતાના બકરાઓ લઇ ગામની સીમમાં ચરાવતા હતા, તે દરમિયાન અમુક બકરા ગાગાજી ખાડાની ત્યાં આવેલ પાણીની નહેરમાં પાણી પીવા જતા ત્યાં નહેરની પાસે દેશી દારૂના આથાનો ડબ્બો પડયો હોય બકરાઓ એ પાણીના બદલે આથાના ડબ્બામાં મોઢુ નાખી આથો ગટગટાવી જતા અનેક બકરાઓ નશામાં ટલ્લી થયા હતાં.

પશુ તબીબને બોલાવી સારવાર અપાઇ હતી. ચીડીવાવ ગામે બકરાઓએ દારૂની મહેફીલ માણ્યાની જાણ કોડીનાર પોલીસ સ્ટેશનમાં થતા ઘડીવાર માટે રમૂજ ફેલાઇ હતી. જોકે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઇ હતી. કોડીનાર તાલુકામાં દારૂની ભારે રેલમછેલ વચ્ચે માણસોની સાથે હવે બકરાઓ પણ દારૂ પી જતા હોય લોકોમાં ભારે રમૂજ ફેલાયો હતો.

(12:08 pm IST)