સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th October 2020

સગીરા પર ગંજી ગેંગના ચાર સભ્યોએ દુષ્કર્મ આચર્યું

જામનગરના કાલાવડની ઘટના : ચારેય નરાધમોએ સગીરાની એકલતાનો લાભ લઇને તેણીના મોઢે ડૂચો મારીને વારાફરથી ગેંગરેપ કર્યો હતો

જામનગર,તા.૨૮ : જામનગર જિલ્લામાં ગેંગરેપની બે ઘટનાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં જ કાલાવડ પંથકમાં ત્રીજી ગેંગરેપની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે. અહીં એક આદિવાસી સગીરા પર ચાર લોકોએ દુષ્કર્મ આચર્યું છે. ૨૧ સપ્ટેમ્બરના રોજ એક સગીર સહિત ચાર લોકોએ સગીરા પર વારફરતી દુષ્કર્મ આચર્યું હતું. આ તમામ સખ્સો ગંજી ગેંગના સભ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસે આ કેસમાં ચારેય આરોપીની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી પ્રમાણે કાલાવડ તાલુકાના પીપર ગામ ખાતે એક સગીરા પર ચાર નરાધમોએ વારાફરથી સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે સગીરા કાલાવડના પીપર ગામ ખાતેની એક વાડીમાં પરિવાર સાથે રહે છે. પરિવાર મૂળ મધ્ય પ્રદેશનો છે, જે અહીં રહીને મજૂરીકામ કરે છે.

            ૨૦મી ઓક્ટોબરના રોજ શ્રમિક પરિવારની ૧૪ વર્ષની દીકરી વાડીના મકાનમાં એકલી ઊંઘી રહી હતી તે દરમિયાન રાત્રે દારૂના નશામાં ચકચૂર બનેલા મધ્યપ્રદેશના જ વતની એવા ગંજી ગેંગના ચાર સભ્યોએ તેણીને પોતાની હવસનો શિકાર બનાવી લીધી હતી. આરોપીઓમાં એક શખ્સ સગીર વયનો છે. ચારેય નરાધમોએ સગીરાની એકલતાનો લાભ લઇને તેણીના મોઢે ડૂચો દઈને વારાફરથી ગેંગરેપ કર્યો હતો. ગેંગરેપ બાદ ચારેય ભાગી ગયા હતા. આ મામલે સગીરાએ પોતાના માતાપિતાને જાણ કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ચારેય આરોપી સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસે આ ગુનામાં ગંજી ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી હતી. જેમાં મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના ચોખલી ગામના વતની દિનેશ કેરમસિંગ કટારીયા, પનેરી ગામના હી-મેન ચેતનસિંગ બગેલ આદિવાસી, બળીજીરા ગામ જોબટ તાલુકાના વતની સુનિલ ગુલાબસિંગ અજનાર આદિવાસીનો સમાવેશ થાય છે. તમામ સામે આઇપીસી કલમ ૩૭૬ (ડી)(એ), ૫૦૬-૨ તથા પોક્સો એક્ટની કલમ ૪-૮ મુજબ ગેંગરેપનો ગુનો નોંધવામાં આવ્યો છે. અટકાયત બાદ તમામનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી. આ કેસમાં સંડોવાયેલા ૧૬ વર્ષના સગીરની પણ પોલીસે અટકાયત કરીને તેને બાળ અદાલતમાં રજૂ કરવાની કાર્યવાહી કરી હતી.

(7:39 pm IST)