સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th October 2020

કેશોદ નગરપાલિકાની આગામી ચુંટણીમાં સંખ્યાબંધ મુરતિયાઓ મેદાનમાં ઉતરશે

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા.ર૮ : કેશોદ નગરપાલિકાની આગામી ચુંટણીમાં સંખ્યાબંધ ઉમેદવારો પોતાનું નશીબ અજમાવશે આ માટે ભાજપ - કોંગ્રેસમાં આંટા મારતા થઇ ગયેલા અને છતા પણ કયાંય મેળ ના પડે તો છેલ્લે અપક્ષમાં પણ ઝંપલાવી અને પોતાનું નશીબ તો અજમાવી લેવાના મુડમાં દેખાય રહયા છે.

૩૬ સભ્યોની બોડી ધરાવતી સ્થાનિક કેશોદ નગરપાલિકાની મુદત પુરી થાય છે. જેથી ચુંટણી થવાની જ હતી. પરંતુ કોરોનાના બહાને ૩ માસ માટે આવી ચુંટણીઓ સમગ્ર ગુજરાતમાં પાછી ઠેલાણી તેની સાથે આ નગરપાલિકાની ચુંટણી પણ પાછી ઠેલાણી છે.

જો આ ચુંટણી ત્રણ માસ પાછી ના ઠેલાણી હોત તો આ બધા સંભવિત મુરતિયા અત્યારે જ દોડતા થઇ ગયા હોત.

૩૬ સભ્યોની વર્તમાન બોડીમાં ર૪ સભ્યો ભાજપના અને ૧ર સભ્યો કોંગ્રેસના હતા. આ બધા સભ્યો ભાજપમાંથી કોંગ્રેસમાં અને કોંગ્રેસમાંથી ભાજપમાં અવાર નવાર ફેર બદલી જે દરેક બોડીમાં થાય છે તેવું આ બોડીમાં થયું નથી અને જેમને પાંચ-પાંચ વરસ પુરા કરી નાખ્યાએ સૌથી વશેષ નોંધપાત્ર હકિકત છે.

જ્ઞાતિવાદની દ્રષ્ટિએ  જોઇએ તો (૧) લેઉવા પટેલ (ર) કડવા પટેલ (૩) લોહાણા (૪) બ્રાહ્મણ (પ) કોળી (૬) દલિત સહિતની વિવિધ મોટી જ્ઞાતિના સભ્યો અત્યારે પોતાનું પ્રતિનિધિત્વ ધરાવે છે. એ કમાત્ર મુસ્લીમ નથી નવી ચુંટણીમાં ભાજપ કોંગ્રેસ કંઇ જ્ઞાતિનું કેટલુ મહત્વ આપે છે તેના ઉપર આગામી બોડીનો આધાર રહેલો છે. એક વાત એવી પણ છે કે ભાજપ આગામી નગરપાલિકાની ચુંટણીમાં નો રીપીટ પધ્ધતિ અમલમાં મુકનાર છે અને જો તેમ થાય તો ભાજપના વર્તમાન સભ્યોને સાગમટે આગામી ચુંટણીમાં ઘરે બેસવાનો સમય આવે.

જો કે આવા નિર્ણય અત્યારે લેવો બહુ આકરો છે. પરંતુ વિધાનસભાની આઠ બેઠકોની ચુંટણીના પરિણામો ૧૦ નવેમ્બરે આવી જાય પછી જ આ દિશામાં કાંઇક વિચારી શકાય ત્યાં સુધી તો આ વાત જો અને તોની વચ્ચે અટવાયેલી જ રહેશે. બાકી આગામી નગરપાલિકા જાળવી રાખવા માટે ભાજપ તમામ પ્રયત્નો કરશે. તેમાં શંકાને કોઇ સ્થાન નથી ભાજપની ઇમેજને કોઇપણ રીતે નુકસાન ન પહોંચે એ માટે અત્યારે ડેમજ કંટ્રોલ ટીમ ભારે સક્રિય છે. સામાન્ય નુકસાનના વાવડ પણ કયાંયથી આવે તો આ ટીમ તુરત જ ત્યાં પહોંચી જાય છે અને ઢાંકા ઢુબો કરાવી દે છે.

(12:45 pm IST)