સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th October 2020

કોરોનાનો કહેર : ઝાલાવડમાં ૩ના મોત, એક જ દિ'માં ૨૨ કેસ : ભાવનગર -૧૬, મોરબીમાં ૧૨ દર્દી

રાજકોટ,તા. ૨૮: કોરોનાનો કહેર સંપૂર્ણપણે થભ્યો નથી જેના પુરાવારૂપ સુરેન્દ્રનગર જીલ્લામાં ત્રણ વ્યકિતનો ભોગ લેવાઇ ગયો છે અને અન્ય વિસ્તારોમાં પણ કોરોનાના દર્દીઓ સારવારમાં આવી રહેવાનું યથાવત રહ્યું છે.

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં અનલોક દરમ્યાન કોરોના વાયરસના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે જેમાં જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધતાં દરરોજ બીનસત્ત્।ાવાર રીતે અંદાજે ૫૦થી વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યાં છે જો કે સરકારી ચોપડે માત્ર મર્યાદિત કેસો જ દર્શાવવામાં આવી રહ્યાં છે. ત્યારે જિલ્લામાં એક જ દિવસમાં વધુ ૨૨ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં અને જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક-૨૪૯૨ થયો હતો.

આ તમામ દર્દીઓને હોમ આઈસોલેશન અથવા શહેરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. જયારે જિલ્લામાં એક જ દિવસમાં સુરેન્દ્રનગરના ૮૦ ફુટ રોડ પર રહેતા ૭૬ વર્ષના પુરૂષ, રતનપર રામેશ્વર ટાઉનશીપમાં રહેતાં ૭૦ વર્ષના પુરૂષ અને ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે રહેતી ૭૦ વર્ષની મહિલાનું કોરોનાથી મોત પણ નીપજયા હતાં. આ દર્દીની કોરોનાની ગાઈડલાઈન મુજબ શહેરના મુખ્ય સ્મશાન ખાતે અંતિમ વિધિ કરવામાં આવી હતી.

ભાવનગરમાં ૧૬ દર્દીઓ કોરોનામુકત

ભાવનગર જિલ્લામા વધુ ૧૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૭૨૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૭ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૯ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા ઉમારાળા ખાતે ૨ તેમજ પાલીતાણા તાલુકાના મોખડકા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૩ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૧૪ અને તાલુકાઓના ૨ એમ કુલ ૧૬ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૪,૭૨૩ કેસ પૈકી હાલ ૫૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૪,૫૯૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૮ દર્દીઓના અવસાન થયેલ છે.

મોરબી, હળવદ અને ટંકારામાં ૨૦ દર્દીઓ સ્વસ્થ થયા

મોરબી જીલ્લામાં કોરોનાના કેસો પ્રતિદિન વધી રહ્યા છે છતાં કેસોની સંખ્યામાં દ્યટાડો જોવા મળી રહ્યો છે જેમાં મોરબી જીલ્લામાં નવા ૧૨ કેસ નોંધાયા છે જયારે ૨૦ દર્દીઓ સ્વસ્થ થયા છે

મોરબી જીલ્લાના નવા કેસોમાં મોરબી તાલુકાના ૦૯ કેસોમાં ૦૪ ગ્રામ્ય અને ૦૫ શહેરી વિસ્તારમાં, હળવદનો ૦૧ કેસ ગ્રામ્ય પંથક અને ટંકારાના ૦૨ કેસ ગ્રામ્ય પંથક મળીને કુલ ૧૨ કેસો નોંધાયા છે જયારે વધુ ૨૦ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ચુકયા છે નવા ૧૨ કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૨૧૬૫ થયો છે જેમાં ૧૪૧ એકટીવ કેસ છે તો અત્યાર સુધીમાં ૧૯૦૩ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુકયા છે.

(11:24 am IST)