સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th October 2020

સાયલા ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગેરરીતિના આક્ષેપ સાથે ખેડૂતોનો હોબાળો

રાજયમાં ઠેરઠેર ચાલી રહેલા વિરોધનું પુનરાવર્તન.. : બારદાન દીઠ અંદાજે ૨૦૦ થી ૩૦૦ ગ્રામ વધુ મગફળી ભરાતી હોવાનો આક્ષેપઃ પગલાં લેવા માંગણી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૮: રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં ટેકાના ભાવે મગફળી સહિતના પાકોની ખરીદી શરૂ કરવામાં આવી છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના એપએમસી ખાતે પણ ખરીદીનો પ્રારંભ થયો છે ત્યારે બીજે દિવસે સાયલા એપીએમસી ખાતે ટેકાના ભાવે થતી મગફળીની ખરીદીમાં હોબાળો થયો હતો અને ખેડુતો પાસેથી બારદાન દીઠ વધુ વજનમાં મગફળી લેવાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ સમગ્ર રાજય સાથે સાયલા એપીએમસીમાં પણ સરકાર દ્વારા ખેડુતો પાસેથી ટેકાના ભાગે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં સરકારના ધારાધોરણ મુજબ નક્કી કરેલા ભાવ અને વજન પ્રમાણે ખેડુતો પાસેથી મગફળી ખરીદવામાં આવી રહી છે. જેમાં સાયલા એપીએમસીમાં સાયલા સહિત આસપાસના ગામોના ખેડુતો મગફળીનું વેચાણ કરવા રજીસ્ટ્રેશન બાદ નંબર પ્રમાણે આવે છે ત્યારે બીજે દિવસે સાયલા એપીએમસી ખાતે મગફળીની ખરીદીમાં ખેડુતોએ હોબાળો કર્યો હતો. જેમાં ખેડુતો પાસેથી પ્રતિ બારદાન દીઠ અંદાજે ૨૦૦થી ૩૦૦ ગ્રામ જેટલી મગફળી વધુ લેવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ખેડુતોએ આ મુદ્દે હોબાળો કર્યો હતો.

જયારે નિયમ મુજબ બારદાન અને મગફળી સહિતનું વજન એક બારદાનનું વજન ૩૦.૮૦૦ કિ.ગ્રા. થવું જોઈએ પરંતુ સાયલા એપીએમસી ખાતે બારદાન સહિત મગફળીનું વજન અંદાજે ૩૧ કિ.ગ્રા. ભરાતી હોવાનું સામે આવ્યું હતું આમ સાયલા એપીએમસીમાં મગફળીની ખરીદીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો ખેડુતોએ આક્ષેપ કર્યો હતો. જયારે અન્ય ખેડુતોએ આ મામલે કાંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો અને જણાવ્યું હતું કે જો તેઓ કાંઈ બોલશે અથવા વિરોધ કરશે તો તેમને ટેકાના ભાવેથી વેચેલ મગફળીનું પેમેન્ટ જલદીથી નહિં મળે જયારે બીજી બાજુ સત્ત્।ાધીશોના જણાવ્યા મુજબ માલમાં ઘટ થાય તો તેઓના પગારમાંથી રકમ કાપી લેવામાં આવે છે આથી ખેડુતો પાસેથી વધુ મગફળી વજનમાં લેતા હોવાનું જણાવ્યું હતું. જેમાં ખેડુત એકતા મંચના હોદ્દેદાર અને ખેડુત આગેવાન રાજુભાઈ કરપડાએ ખેડુતોના મુદ્દે તેમજ ટેકાના ભાવો અંગે ભાજપ સરકાર સામે રોષ દાખવી આકરા પ્રહારો કર્યા હતાં અને આ અંગે ઉચ્ચકક્ષાએથી તપાસ હાથધરી જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

(11:02 am IST)