સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 28th July 2020

જુનાગઢમાં સ્વામિનારાયણ ભગવાનનાં હસ્તે પ્રતિષ્ઠા થયેલ શ્રી સિધ્ધેશ્વર મહાદેવ મંદિરે ભાવિકોની મનોકામના પુર્ણ થાય છે

વૈષ્ણવી પરંપરાથી થતી પૂજા-અર્ચના, અભિષેક, અન્નકુટઃ પાંચ વખત મહાઆરતીઃ કોઠારી પ્રેમસ્વરૂપદાસજીનાં સાનિધ્યમાં વિવિધ દર્શન-મહાપુજા-શ્રૃંગાર

જુનાગઢ જવાહર રોડ સ્થિત શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે ભગવાનશ્રી સ્વામીનારાયણના હસ્તે સિધ્ધેશ્વર મહાદેવની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવેલ ઉપરોકત તસ્વીરમાં સ્વામીનારાયણ મંદિર અને શંૃગાર સાથે દર્શનીય સ્વામીનારાયણ ભગવાન તેમજ સ્વામીનારાયણને હસ્તે પ્રતિષ્ઠીત કરવામાં આવેલ સિધ્ધેશ્વર મહાદેવ અને પાર્વતી માતાજીની મૂર્તિ અને મંદિરના કોઠારી શ્રી પ્રેમસ્વરૂપદાસજી નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)

જુનાગઢ તા. ર૮ :.. જુનાગઢ જવાહાર રોડ સ્થિત શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિરમાં ભગવાન સ્વામીનારાયણના સ્વહસ્તે સિધ્ધેશ્વર મહાદેવની આરસની ચમત્કારીક મૂર્તિ પધરાવી પ્રતિષ્ઠા કરવામાં આવેલ.

મંદિરના કોઠારી મહંત શાસ્ત્રી સ્વામી   પ્રેમસ્વરૂપદાસજી (નવાગઢવાળા) એ અકિલાને વિગતો આપતા જણાવ્યું હતું કે સવંત ૧૮૮૪ ફાગણવદી ર ના દિવસે જુનાગઢમાં ભગવાન સ્વામીનારાયણે પોતાના સ્વહસ્તે પાર્વતી, ગણપતિ, નંદિશ્વર સહ ગંગાધર, ચંદ્રમૌલીશ્વર ભુષણ સિધ્ધેશ્વર મહાદેવની આરસની ચમ્તકારીક મૂર્તિ પધરાવી છે. આ ભારત વર્ષમાં અનેક નાના મોટા મંદિર અને દેવી-દેવતાઓની પ્રતિષ્ઠાઓ હશે પણ ભારત વર્ષનું એક જ એવુ મંદિર છે કે જેમની પ્રતિષ્ઠા ખુદ ભગવાન સ્વામી નારાયણે કરી છે.

આ યુગનો માનવી કંઇને કંઇ આધિ-વ્યાધિ અને ઉપાધિમાં પીડાતો રહેલો છે. આવી પરિસ્થિતિમાં જો માણસને સમાધાન ન મળે તો તે કંઇક ચિંતાજનક પગલુ ભરતો હોય છે ત્યારે ભગવાન સ્વામીનારાયણે ભકતોને  ત્રિવીધતાય નિવારવા સાત્વિક શ્રધ્ધા પ્રસ્થાપિત કરી અને સિધ્ધેશ્વર મહાદેવજીને છાતી પર હાથ રાખીને પ્રતિષ્ઠા વખતે એવો પવિત્ર સંકલ્પ કર્યો કે તમારૂ નામ અમેસિધ્ધેશ્વર મહાદેવજી રાખીએ છીએ તમો અમારા બધા ભકતોની મનોકામના સિધ્ધ કરજો પુ. પ્રેમસ્વરૂપદાસજીએ વધુમાં જણાવ્યું હતું કે વિશ્વભરમાં જેટલા પ્રતિષ્ઠીત દેવો છે જેવા કે તીરૂપતી બાલાજી છે ભગવાન જગન્નાથજી, દ્વારકાધીશ છે ત્યાં આપણી શ્રધ્ધા છે ત્યારે ખુદ ભગવાને પધરાવેલ. મૂર્તિ  કેટલી પ્રતાપી હોય જેના પ્રત્યે અસંખ્ય શ્રધ્ધાળુઓની શ્રધ્ધા અત્રે ફળી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં આ એક જ સિધ્ધેશ્વર મહાદેવજી છે તેમની વૈષ્ણવી પરંપરાથી પુજા - અર્ચના અભિષેક, અન્નકુટ પાંચ વાર આરતી વગેરે થતા હોય દર શ્રાવણ માસમાં અહી લાખોની સંખ્યામાં બિલ્વપત્રો ચડાવે છે. વૈશાખ મહિનામાં ચાર સોમવારે બહુ જ વિધી પૂર્વક શોડષોપચાર પૂજન - અર્ચન - અભિષેક કરવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે રૂદ્રાભિષેક પૂર્વક મહાપુજન થાય છે.

ભગવાન સ્વામીનારાયણે સિધ્ધેશ્વર મહાદેવજીની સ્થાપના કરીને ગુજરાતને ઐતિહાસીક નવીન આદર્શ  શિવપૂજનનો રાહ ચિંધેલ છે.

આજે હજારો ભકતોની મનોકામના સિધ્ધ થઇ રહી છે. નિઃસંતાન હોય એને મહાદેવજી સંતાન આપે છે. અહી એવી પરંપરા છે જેને દિકરા-દિકરીની ખોટ હોય તે મહાદેવજીને નિર્મળ હૃદયે પ્રાર્થના કરવાથી સંતાન પ્રાપ્તી થયે એ બાળકને સાકર અથવા ગોળથી વજન ભારોભાર જોખી માનતાં પુરી કરે છે ઘણાના દિર્ઘરોગ દાદાના સંકલ્પથી જાય છે. આવા પ્રતાપી સિધ્ધેશ્વર મહાદેવજી દેશ-વિદેશના હજારો હરિભકતોની શ્રધ્ધાનું કેન્દ્ર છે.

હાલ શ્રાવણ માસમાં સ્વામીનારાયણ મંદિર ખાતે વહેલી સવારે સ્થાપીત દેવોનું આરતી - પૂજન તેમજ મહાદેવનો અભિષેક  તેમજ ભગવાન સ્વામીનારાયણના હિંડોળાના દર્શનનો અસંખ્ય ભાવિકો લાભ લઇ રહ્યા છે. દરમ્યાન ભાવિકોને કોઇ પ્રકારની અગવડતા ન પડે તે માટે મંદિરના કોઠારી સ્વામી પ્રેમસ્વરૂપદાસજીના માર્ગદર્શન હેઠળ આયોજન કરાયુ છે.

(12:51 pm IST)