સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 28th June 2022

દરિયા કિનારે ૩ નંબરના સિગ્નલ વચ્‍ચે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વરસાદનું જોર ઘટયુ

જામનગરનાં મોટા પાંચ દેવડામાં અડધો ઇંચ વરસાદ : સામાન્‍ય ઝાપટા વચ્‍ચે ધુપ-છાંવ યથાવત

રાજકોટ,તા. ૨૮ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વરસાદનું જોર ઘટયુ છે. આવા વાતાવરણ વચ્‍ચે સૌરાષ્‍ટ્ર-કચ્‍છના દરિયા કિનારે ૩ નંબરનું સિગ્નલ રાખવામાં આવ્‍યુ છે અને માછીમારોને ચેતવણી આપવામાં આવી છે.

: ગુજરાતના દરિયાની જેમ સંઘપ્રદેશ દમણના દરિયા કિનારે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે. દમણના દરિયા કિનારે પણ ૩ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્‍યું છે અને માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચન કરવામાં આવ્‍યું છે. પર્યટકોને પણ દરિયા કિનારા નજીક નહીં જવાના સૂચનો કરવામાં આવ્‍યા છે.

મહત્‍વપૂર્ણ છે કે, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી દરિયો તોફાની રહેવાની શક્‍યતા છે. આથી સલામતીના ભાગરૂપે હવામાન વિભાગે દરિયા કિનારે અલર્ટ જાહેર કર્યું છે. આથી તંત્ર પણ એલર્ટ છે. દમણના દરિયા કિનારે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્‍યું છે.

આગામી સમયમાં ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્‍યતા છે. આથી દમણના દરિયા કિનારે લોકોને સતર્ક રહેવાની સાથે માછીમારોને પણ દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવે છે.

બીજી બાજુ અમરેલી અને પોરબંદરમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના જાહેર કરી દેવામાં આવી છે. જાફરાબાદ બંદર પર ૩ નંબરનું સિગ્નલ લગાવાયું છે. આ સિવાય જાફરાબાદ, ધારાબંદર, પીપાવાવ પોર્ટ, શિયાળ બેટ સહિત વિસ્‍તારમાં દરિયામાં કરંટ જોવા મળ્‍યો છે. જેણા કારણે હવામાન વિભાગની આગાહીને પગલે અલર્ટ અપાયું છે.

રાજયના કેટલાક દરિયાઈ વિસ્‍તારમાં ૩ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્‍યું છે. પવનની ઝડપ વધવાની શક્‍યતાને પગલે માછીમારોને સૂચના અપાઈ છે. હવામાન વિભાગની સૂચના પ્રમાણે તારીખ ૨૭/૬/૨૨ થી તારીખ ૧/૭/૨૨ પાંચ દિવસ માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના અપાઈ છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૫.૬ મહતમ, ૨૭.૫ લઘુતમ, ૮૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬.૮ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

છેલ્લા ચોવીસ કલાકમાં જામનગર જિલ્લામાં મોટા પાંચ દેવડા ગામે ૧૫ મી.મી. વરસાદ નોંધાયો છે.

(11:32 am IST)