સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 28th May 2020

વિધવા સહાયનું ફોર્મ ભરીને ઘરે જઇ રહેલા વેરાવળના બીજ ગામના લાભુબેન મેરનું વાહન અકસ્માતમાં મોત

કોળી મહિલા ધર્મના ભાઇના બાઇક પર બેસી વેરાવળથી પોતાના ગામ જતા'તા ત્યારે રસ્તામાં ટ્રકે ટક્કર મારીઃ સારવાર દરમિયાન રાજકોટમાં મોતઃ ત્રણ સંતાન મા વિહોણા

રાજકોટ તા. ૨૮: વેરાવળના બીજ ગામે રહેતાં લાભુબેન અરશીભાઇ મેર (કોળી) (ઉ.વ.૪૦) નામના મહિલાનું પ્રભાસ પાટણમાં વાહન અકસ્માતમાં ઇજા થતાં સારવાર દરમિયાન રાજકોટમાં મોત થયું છે. વિધવા સહાયનું ફોર્મ ભરીને પરત પોતાના ગામ જતી વખતે આ બનાવ બન્યો હતો.જાણવા મળ્યા મુજબ લાભુબેન ગઇકાલે સવારે પોતાના ધર્મના ભાઇ વનરાજભાઇ હસમુખભાઇ ચોૈહાણના બાઇકમાં બેસી વેરાવળ વિધવા સહાયનું ફોર્મ ભરવા માટે આવ્યા હતાં. બંને અહિથી પરત પોતાના ગામ જવા નીકળ્યા ત્યારે રસ્તામાં પ્રભાસ પાટણ પોલીસ ચોકી નજીક ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતાં બંને ફંગોળાઇ ગયા હતાં. જેમાં વનરાજભાઇને સામાન્ય ઇજા થઇ હતી. જ્યારે લાભુબેનને ગંભીર ઇજા થતાં સારવાર માટે પ્રભાસ પાટણ અને વેરાવળ હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ ગત રાતે મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ અને રવિભાઇએ કાગળો કરી વેરાવળ પોલીસને જાણ કરી હતી.

મૃતકના પતિ હયાત નથી. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:29 am IST)