સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th May 2018

થાનમાં વણકર યુવાન યશપાલનું બાઇકમાં અપહરણ કરી હાથ-પગ ભાંગી નાંખી લૂંટ

યુવાન ગામની મસ્જીદ પાસે બેઠો'તો યુવરાજ કાઠી, શિવરાજ કાઠી, દલા નારણના બે છોકરાઓએ બાઇકમાં બેસાડી ઉઠાવી જઇ ધોકા ફટકારી ચેઇન-રોકડ પડાવી લીધાનો આક્ષેપઃ રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૨૮: ચોટીલાના થાનમાં રહેતાં વણકર યુવાનને શનિવારે સાંજે તે ગામમાં મસ્જીદ પાસે બેઠો હતો ત્યાંથી કાઠી અને મોચી શખ્સોએ બાઇકમાં બેસાડી ટાવર પાસે લઇ જઇ ધોકાથી બેફામ માર મારી હાથ-પગ ભાંગી નાંખી રોકડ અને સોનાનો ચેઇન પડાવી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે.

થાન આંબેડકરનગર-૧ જુના વણકરવાસમાં રહેતો અને કારખાનામાં મજૂરી કરી ગુજરાન ચલાવતો યશપાલ તેજાભાઇ પરમાર (ઉ.૨૫) નામનો વણકર યુવાન શનિવારે સાંજે ચારેક વાગ્યે મસ્જીદ પાસે બેઠો હતો ત્યારે યુવરાજ કાઠી, શિવરાજ કાઠી અને દલા નારણભાઇ મોચીના બે દિકરા આવ્યા હતાં અને યશપાલને બાઇકમાં બેસાડી ટાવર પાસે લઇ જઇ ધોકાથી હાથે-પગે માર મારી સોનાનો ચેઇન અને રૂ. ૫૦૦ રોકડા લઇ લીધા હતાં. આ અંગે હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે થાન પોલીસને જાણ કરી હતી.

યશપાલના કહેવા મુજબ પોતે બેઠો હતો ત્યારે ચારેય શખ્સો આવ્યા હતાં અને યુવરાજે તારૂ કામ છે તેમ કહી બાઇકમાં બેસાડ્યો હતો અને બાદમાં ચારેય જણાએ ટાવર પાસે લઇ જઇ ધોકાથી બેફામ માર મારી લૂંટ ચલાવી લીધી હતી. સમાજના અન્ય બે છોકરાઓને પણ આ શખ્સોએ દાદાગીરી કરી માર માર્યાનો આક્ષેપ યશપાલે કર્યો છે. પોલીસે આક્ષેપો અંગે વિશેષ તપાસ હાથ ધરી છે. યશપાલના કહેવા મુજબ હુમલાને કારણે તેનો એક હાથ અને એક પગ ભાંગી ગયા છે. (૧૪.૬)

(10:49 am IST)