સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th May 2018

મોટી ભુજપુર ખાતે ૩૧ મેના 'પર્યજન્ય યજ્ઞ'સાથે સુજલામ-સુફલામ અભિયાનની કરાશે ભવ્ય ઉજવણી

જિલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં વિવિધ કાર્યક્રમોનું ઘડાયું આયોજન

ભુજ, તા.૨૮: કચ્છમાં તા. ૧લી મે, ૨૦૧૮ થી ચાલી રહેલા સુજલામ-સુફલામજળ અભિયાન-૨૦૧૮ની પૂર્ણાહુતિ પ્રસંગે ૩૧મી મેના રોજ મુંદરા તાલુકાના મોટી ભુજપુર ખાતે પર્યજન્ય યજ્ઞ, નર્મદા જળ પૂજન, પ્રસાદ, દાતાના સન્માન, સાંસ્કૃતિક કાર્યક્રમો, ડોકયુમેન્ટ્રી ફિલ્મ-પ્રદર્શન, વકવ્યો સહિતનું સમગ્ર આયોજન તંત્ર દ્વારા દ્યડાઇ રહયું છે.ભુજ ખાતે જિલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષપદે ૨૫મી મેનાં સાંજે કોન્ફરન્સ હોલમાં મળેલી બેઠકમાં સુચારૂ કામગીરી માટે  લાયઝનીંગ અને મોનીટરીંગના આદેશો સાથે 'સુજલામ-સુફલામ' જળ અભિયાન-૨૦૧૮ના ઉજવણી ૩૧મીએ મોટી ભુજપુર ખાતે સોનલવાડી વિસ્તારમાં યોજવા સહિતની ચર્ચા-વિચારણા હાથ ધરાઇ હતી.

આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી, રાજયમંત્રીશ્રી, સાંસદશ્રી, ધારાસભ્યોશ્રી તેમજ  સંતો-મહંતો, દાતાઓ, કંપની પ્રતિનિધિ, આગેવાનો, ગ્રામજનોની ઉપસ્થિત સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે જળસંચય અભિયાનની સાફલ્ગગાથા તેમજ પ્રગતિશીલ ખેડૂતોના વકતવ્યોનું પણ આયોજન થઇ રહયું છે.

જિલ્લા કલેકટર રેમ્યા મોહને ઉજવણી માટે સમગ્ર માહોલ દ્યડતરનું માર્ગદર્શન આપી પ્રાંત અધિકારી વી.એન.રબારીના નેજા હેઠળ જળસંચયની કામગીરીમાં સહભાગી દાતાઓના સન્માન, કંપનીઓ, એન.જી.ઓ.ના પ્રતિનિધિઓની ઉપસ્થિત સાથે યોજાનારા આ કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાય તેવા આવકારદાયક અભિગમની તૈયારીઓ સાથે કચ્છ સિંચાઇ વર્તુળના અધિક્ષક ઇજનેર એમ.વી.કોટવાલ,મુખ્ય જિલ્લા નોડલ અધિકારી મહાવીરસિંહ રાઓલ, સિંચાઇના કાર્યપાલક ઇજનેર આર.જી.સોનકેસરીયા, મુંદરા મામલતદાર એ.જે.ત્રિવેદી  અને મુંદરા તાલુકા વિકાસ અધિકારીને સૂચિત કર્યાં હતા. 

કાર્યક્રમ પ્રસંગે સુજલામ-સુફલામની ડોકયુમેન્ટ્રી ફિલ્મ, જળસંચયા થયેલા કામોનું ફોટો પ્રદર્શન યોજવાનું આયોજન સહિત આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર હોઇ પીવાનું પાણી, પ્રાથમિક સારવાર સહિતના પગલાંઓ લેવા બેઠકમાં સૂચના અપાઇ હતી.

અધિક કલેકટર ડી.આર.પટેલે તબકકાવાર કાર્યક્રમની રૂપરેખા આપી વિભાગવાર કામગીરીની છણાવટ કરી હતી.

આ બેઠકમાં ભુજ પ્રાંત રવિન્દ્રસિંહ જાડેજા, પશુપાલન વિભાગના ડો. બ્રહ્મક્ષત્રિય, માર્ગ-મકાન વિભાગના શ્રી શાહ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.(૨૨.૩)

(10:46 am IST)