સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th May 2018

જુનાગઢ પંથકમાં કેમિકલયુકત પાણી પ્રશ્ને કોંગ્રેસનું આંદોલનઃ તંત્ર દ્વારા ખાત્રી

 જુનાગઢ : ઉબેણ નદીમાં જેતપુર ડાઇગ ઇન્ડસ્ટ્રીઝના માલીકો દ્વારા ઉપરવાસથી કેમીકલયુકત પાણી ઠાલવવામાં આવે છે જેનાં કારણે કાળે ઉનાળે ઉબેણ નદી બે કાંઠે વહી રહી છે. જે કેમીકલયુકત પાણીનાં કારણે ઉબેણ કાંઠા વિસ્તારનાં જુનાગઢનાં ૩૦ ગામોની તેમજ આરોગ્યને ભયંકર અસર પહોંચી રહી છે જે બાબતની રજુઆત છેલ્લા ૩ વર્ષથી જુનાગઢ જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ અને વિસાવદરનાં ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયાએ વિધાનસભામાં પણ કરેલ હતી. ત્યારબાદ જુનાગઢનાં નવનિયુકત ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ પણ પ્રદુષણ નિયમન બોર્ડને રજુઆત કરેલ હતી છતાં પણ તે પ્રશ્નનો કોઇ ઉકેલ ન આવતા શારદા બેન કે. ગજેરા અને કાંતિલાલભાઇ ગજેરા તેમજ પ્રવિણભાઇ કોઠીયાની આગેવાનીમાં ધરણા બાદ રસ્તા રોકો આંદોલન કરેલ, આ આંદોલનની શરૂઆતથી જ ઝાલણસર ગામે પોલીસ અધિકારીઓ કાફલા સાથે પહોંચી ગયેલ હતા. આ આંદોલનમાં જુનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઇ જોષી, જિલ્લા પંચાયતના પ્રમુખ વલ્લભભાઇ દુધાત, જુનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખ રામીબેન ભાદરકા, જુનાગઢ તાલુકા કોંગ્રેસ પ્રમુખ લાલજીભાઇ ડોબરીયા, જુનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ ગાંડુભાઇ ઠેસીયા અને જુનાગઢ જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી વી.ટી. સીડા વિગેરે કાર્યકરો જોડાયા હતા. જુનાગઢ ગ્રામ્ય મામલતદાર આંદોલનનાં સ્થળે ઝાલણસર ગામે દોડી આવેલ અને નદીમાં ઠલવાતુ પાણી જુનાગઢની હદમાં આવવા ન દેવા અને જુનાગઢની હદમાં જે ધોલાઇ ઘાટો છે તે ધોલાઇ ઘાટો તોડી પાડવાની લેખીત બાંહેધરી આપી હતી. તેમ જીલ્લા કોંગ્રેસ જોઇન્ટ સેક્રેટરી પ્રતાપભાઇ એમ. ભરાણીની યાદીમાં જણાવ્યું છે.(અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ) (૧.૩)

(10:42 am IST)