સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th May 2018

વાંસોજ ભરતી નિયંત્રક યોજનાના ૧૮ હજાર ઘનમીટર કાંપથી ૪૦૦ વિઘા જેટલી જમીન ફળદ્રુપ બની

ખારાશની અતિક્રમણને ખાળવા દરિયાકાંઠે ૧૯૮૪માં નિર્મિત વાંસોજ ભરતી નિયંત્રક યોજના ખેડૂતો માટે આશિર્વાદરૂપ

ગીર-સોમનાથ : લીલી નાધેરથી પ્રસિધ્ધ ઉના તાલુકો દરીયાકાંઠે હોવાથી ખારાશનાં અતિક્રમણની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. પરંતુ આ ખારાશનાં અતિક્રમણને નાથવા વાંસોજ ભરતી નિયંત્રક યોજના આશીર્વાદરૂપ થઇ છે. ૧૯૮૪માં નિર્મિત આ યોજના ૯૨.૫૦ એમ.સી.એફ.ટી જળ સંગ્રહ ક્ષમતા ધરાવે છે.

૧૯૮૪માં નિર્માણ થયેલ આ યોજનાને રાજય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજનામાં આવરી લઇ મોટાપાયે માટી-કાંપ દુર કરવાની કામગીરી શરૂ કરાઇ છે. ક્ષાર અંકુશ વિભાગ દ્વારા કાંપ ખેડૂતોને લઇ જવાની મંજૂરી અપાતા નાળીયા માંડવી, વાંસોજ, પાલડી અને ઓલવાણ સહિત આજૂ-બાજૂનાં વિસ્તારનાં ખેડૂતો સ્વખર્ચે જેસીબી મશીન અને ટ્રેકટરોની મદદથી ફળદ્રુપ કાંપ લઇ જઇ રહ્યા છે. ક્ષાર અંકુશ વિભાગનાં કાર્યપાલક ઇજનેરશ્રી ગઢીયાનાં જણાવ્યાનુસાર ૧૮૦૦૦ ઘનમીટર જેટલો કાંપ ખેડૂતોનાં ખેતરમાં પથરાયો છે.

ભરતી નિયંત્રક યોજનામાં વર્ષોથી જમા થયેલ માટી-કાંપ ખેતી માટે ટોનીકનું કામ કરે છે. છાણીયા ખાતર કે અન્ય કોઇ ખાતરથી જમીનને જેટલો ફાયદો થાય એનાથી પણ વધુ આ કાંપથી જમીનને લાભ થશે.. છેલ્લા ૨૦ દિવસથી કાર્યરત આ કામગીરીથી નાળીયા માંડવી સહિત આજૂ-બાજૂનાં ગામનાં ખેડૂતોની ૪૦૦ વિઘા જેટલી જમીન ફળદ્રુપ થઇ છે. નાળીયેરીનાં બગીચા સુકી ખેતી અને ચોમાસામાં મગફળી પકવતા ખેડૂતો માટે સુજલામ સુફલામ યોજના આનંદનો અવસર બની ગઇ છે. અહિંથી ખેડૂત દ્વારા ૧૮૦૦૦ ઘનમીટર કાંપ લઇ જવાથી એટલા વિસ્તારમાં વધુ પાણીનો સંગ્રહ થઇ શકશે.

વાસોજ ભરતી નિયંત્રક યોજનાના લાભાર્થી નાળીયા-માંડવી ગામના ખેડૂત જીવાભાઈ સોલંકીએ કહ્યું કે, મારી ૧૪૦ વીધા જમીનમાં દસ હજાર જેટલી નાળીયેરીનુ વાવેતર કરાયુ છે. જેમાં  વાસોજ ભરતી નિયંત્રક યોજનાનો કાપ નાળીયેરીના બગીચામાં નાખવામાં આવી રહયો છે. આ કાપ મારા ખેતરમાં નાળીયેરીના ઝાડ પાસે પાળા બાંધવાની સાથે ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી ખારાશનું પ્રમાણ ઘટવાની સાથે વરસાદી પાણીનો જમીનમાં સંગ્રહ થશે. ઉત્પાદનમાં પણ વધારો થવાથી ખેડૂતોનો આર્થિક નફો પણ વધશે. આ માટી ખેતરો માટે અત્યંત કિંમતી હોવાની સાથે ખેડૂતોને ચોક્કસ લાભ થશે. તેઓએ વધુ કહ્યું કે, આ માટીથી પાળા બાંધી વરસાદનું પાણી રોકી રાખી જમીનમાં ઉતારવાથી ખારી જમીનને ફળદ્રુપ બનાવે છે. (૨૧.૬)

સંકલન : અર્જુન પરમાર

માહિતી બ્યુરો, ગીર સોમનાથ

(8:59 am IST)