સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th May 2018

ગામથી ૬ કિલોમીટર દુર દરરોજ અઢી કલાક શ્રમદાન કરી પાણી સંચય કરે તેવા તળાવનું એકલા જ કરે છે ખોદકામ

જૂનાગઢના પત્રકારે જળસંચયક્ષેત્રે શ્રમદાનથી આરંભેલી પિતૃતૃપ્તીની યાત્રાઃ નિમિષ ઠાકરની પ્રેરણાદાયી શ્રમસાધનાથી માતા-પિતાના આત્માની શાંતિ અને સર્વ પિતૃઓના મોક્ષ માટે અધિક માસમાં પાણી માટે ચેકડેમ ઉંડો ઉતારવાનું શ્રમદાન

જૂનાગઢ : આ ગામની સીમમાં એક તળાવ છે જેમાં જૂનાગઢનો એકલવીર પત્રકાર નિમિષ ઠાકર માથે તગારૂ લઇ તળાવને પાળે માટી નાખે અને ફરી પાછો તળાવની અંદરથી માટે ત્રિકમથી ખોદે, આ બનતી ઘટના એક દિવસની નથી સતત ચાલતી આ પ્રક્રીયામાં નિમિષભાઇને નથી જોઇતી પબ્લીસીટી કે નથી જોઇતી કોઇની વાહવાહ બસ....એ ભલો અને એમનું કામ ભલુ......બસ માટી ખોદે અને તળાવને કાંઠે માટી પોતેજ નાખવા જાય, દરરોજ અઢી કલાકની આ બળબળતા કાળઝાળ ઉનાળાનાં સમયે, એકલપંડ્યે કામ કરતા નિમિષ ઠાકરની સાથે વાત કરી ત્યારે ખબર પડી કે તેમનાં પિતાશ્રી બલભદ્રભાઇ ભાઇશંકરભાઇ ઠાકર ગયા વર્ષે જીવનલીલા સંકેલી સ્વધામે સિધાવ્યા.... માતુશ્રીની ભાવનાબાની છત્રછાંયા ચાર વર્ષ અગાઉ ગુમાવનાર નિમિષ ઠાકરને તેમનાં માતા-પિતા અને પિતૃનાં આત્માની શાંતી માટે જળસંચય માટે એવુ કામ કરવુ કે જેનાથી પિતૃના આત્માને શાંતી હાંસલ થાય, બસ આ વાતનાં વિચારને સમર્થન મળ્યુ રાજયનાં મુખ્યમંત્રીશ્રીનાં સુજલામ સુફલામ જળ અભિયાનનાં કાર્ય સાથે....નિમિષભાઇ કલેકટરશ્રી અને સીંચાઇ વિભાગનાં અધિકારીને મળી તેમની કામગીરી અને જળસંચયમાં તેમનાંથી આ કાર્યમાં શ્રમદાન કઇ રીતે આપી શકાય તે માટે સંપર્ક સાધ્યો અને તેમને ઉમટવાડાનાં તળાવની જાણકારી મળી, બસ ત્યારથી એકવીર નિમિષ ઠાકર દરરોજ અડી કલાક શ્રમદાન કરી તળાવ ઉંડુ ઉતારવા કામે લાગી જાય છે. ઉમટવાડા ગામની સીમમાં અકાંત નિર્જન વિસ્તારમાં નિમિષ ઠાકરનો એકાદ ફોટો કામ કરતા હોય તેવો મેળવવા કોશીષ કરી તો નિમિષભાઇનો ફોટો એક ઘેા બકરા ચારતા માલધારીએ પાડ્યો અને આ રીતે કામનો થયો સાક્ષાતકાર, નિમિષભાઇ વાતને સમજાવતા જણાવ્યુ હતુ કે દાન દક્ષીણા કે પીપળે પાણી રેડવા કરતા જળસંગ્રહને મજબુત બનાવી જળસંચય કરીશું તો જ સાચુ પીતૃતર્પણ થયુ લેખાશે. મારા માતા-પિતા અને પિતૃને આ તળાવમાં ચોમાસે વરસાદી નીર ભરાશે ત્યારે ખરા અર્થમાં શાંતી પ્રાપ્ત થશે એવી મારી અંગત માન્યતા છે. શ્રી નિમિષભાઇ કહે છે કે જળ એ જીવન છે. આપણું જીવન આપણા હાથમાં છે પણ આપણે એને વેડફી રહ્યા છીએ, ખોટી રીતે વહાવી રહ્યા છીએ, આપણે ત્યાં કહેવત છે કે 'તરસ લાગે ત્યારે કૂવો ગાળવા ના બેસાય.' આ કહેવત છે તે સમજીને પાણી વેડફાઈ જાય એ પહેલાં જ કૂવા ગાળવાના, પાણી બચાવવાના પ્રયત્નો કરીએ. સરકાર અને સમાજના સહિયારા પ્રયત્નો થકી કેવી રીતે જળ નામે જીવન બચાવી શકે તેની વાત...

રહિમન પાની રાખીએ, બીન પાની સબ સૂન !

પાની ગએ ન ઊબટે, મોતી - માનૂષ - મૂન

નિમિષભાઇ વેદો ઉપનિષદોને ટાંકીને જળ વિશે શું કહે છે ?

પ્રાચીન સમયથી જળને વત્નણ દેવ ગણ્યો છે. ઋગ્વેદનું ૪૯મું સૂકત 'અપસૂકત' જળવિષયક ચિંતન રજૂ કરે છે. અથર્વવેદે જળનાં ત્રણ રૂત્નપ દિવ્યા - આંતરિક અને પાર્થિવ ગણાવ્યાં છે. બૃહદારણ્યક ઉપનિષદમાં સૃષ્ટિનિર્માણની કથામાં જળનું ચિંતન તૈતરીય ઉપનિષદના ઋષિએ જળને જ અન્ન કહ્યું છે. 'આપોવા અન્નમ' સૃષ્ટિનું બંધારણ પંચમહાભૂતોથી રચાયેલુ છે. જળ એક માત્ર એવું મહાભૂત છે. જેમાં શબ્દ-રસ-રૂત્નપ અને સ્પર્શ ચારેય ગુણ છે. તેથી જ દ્યુતિલોક-અંતરિક્ષલોક-પૃથ્વીલોક અને પાતાળલોકમાં વ્યાપ્ત છે. છાંદોગ્ય ઉપનિષદના સાતમા અધ્યાયમાં નારદ અને સનતકુમારોના સંવાદોમાં જળને શ્રેષ્ઠ ગણાવ્યું છે. જળ અન્નને પકવે છે. જે જળને બ્રહ્મ સમજી પૂજા કરે છે તેને બધી બાબતો મળે છે પ્રાપ્ત થાય છે.    કબીરે જળને આધારે રજૂ કરેલું ચિંતન જલ મેં કુંભ, કુંભ મેં જલ હૈ બાહર ભીતર પાની, ફૂટાકુંભ જલ જલહિ સમાયા, યહ તત્ કહ્યો ગિનાની !!, રહિમન પાની રાખીએ બિન પાની સબ સૂન, પાની ગએ ન ઉબટે, મોતી માનુષ મૂન  .....આ સૃષ્ટિ પર જે કંઈ છે તે જળને કારણે છે. પૃથ્વીના પેટાળમાં જળ છે. ધબકતું જીવન પણ જળને આભારી છે. જળ કામધેનુ છે. જળ ઐરાવત છે, જળ ઊર્જા છે. જળ જીવન છે. જળને બનાવી શકાતું નથી- બગાડી શકાય છે, બચાવી શકાય છે. આ દિશામાં વિચારવાની આવશ્યકતા છે. ત્યારે કવિવર રવિન્દ્રનાથ ટાગોરની કવિતા ....તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે!..... એકલો જાને, એકલો જાને, એકલો જાને રે.... જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય; ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી, તારાં મનનું ગાણું એકલો ગાને રે ! ....કાવ્યનાં શબ્દોને સાર્થક કરતા નિમિષ ઠાકર માતા-પિતાના આત્માની શાંતિ અને સર્વ પિતૃઓના મોક્ષ માટે અધિક માસમાં મેં પાણી માટે ચેકડેમ ઉંડો ઉતારવાનું શ્રમદાન શરૂ કર્યું છે. જૂનાગઢ નજીકના ઉમટવાડા ગામે નિમિષભાઇ કામ કરે છે.દરરોજ સવારે એકથી અઢી કલાક સાઈટ પર જાય અને એકલા જાય છે. જાતે જ તળાવ ખોદે અને જાતે જ તગારૂ માથે ઉપાડી ૩૦ ફુટ જેટલે માટી દુર કરે છે. ઘરથી અંદાજે ૬ કિમી દૂર ઉમટવાડા ગામે આવેલી પાંજરાપોળ પાસે તળાવમાં નિમિષભાઇને એકલા કામ કરતા જોઈને ઘણાં લોકોને આશ્યર્ય થાય છે, બસ એક વાત ચોક્કસ છે કે મન હોય તો માળવે જવાય આ વાત નિમિષભાઇની જળસંચયની કામ કરવાની તાલાવેલી જોઇને લાગે છે.

સંકલન : અશ્વિન પટેલ

માહિતી બ્યુરો, જૂનાગઢ

(8:59 am IST)