સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th April 2021

મોરબીમાં મીની લોકડાઉનના કડક અમલ માટે એસ.પી. ઓડેદરા મેદાને

મુખ્ય બજાર વિસ્તારોમાં ફરીને સઘન ચેકિંગ હાથ ધરી ખુલ્લી રહેતી દુકાનો બંધ કરાવી

મોરબી : મોરબીમાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે આજથી મીની લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જેમાં જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો સિવાયની તમામ વેપાર વાણિજયની દુકાનોને બંધ રાખવાનો સરકારે આદેશ આપ્યા બાદ આ અંગેના કલેક્ટરના જાહેરનામાનો કડક પાલન કરવા માટે ખુદ એસ.પી. એસ. આર. ઓડેદરા મેદાને આવ્યા હતા. તેમણે પોલીસ કાફલાને સાથે રાખીને મોરબીની મુખ્ય બહાર વિસ્તારોમા સઘન ચેકિંગ કરીને ખુલ્લી રહેતી અમુક દુકાનોને બંધ કરાવી હતી.

મોરબીમાં મીની લોકડાઉનના આજે પ્રથમ દિવસે જ જિલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા પોલીસ કાફલા સાથે સરકારની ગાઈડલાઇન અને જિલ્લા કલેકટરે લાગુ કરેલા જાહેરનામાનો કડક અમલ કરવા શહેરની મુખ્ય બજાર વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં તેઓએ પોલીસ ફકલા સાથે શહેરની મુખ્ય બજાર વિસ્તાર જેવા કે, નહેરુ ગેઇટ ચોક, પરા બજાર, શાક માર્કેટ, ગઢની રાંગ સહિતની આજુબાજુની બજારોમાં ફરીને મીની લોકડાઉનનો કડક અમલ કરાવ્યો હતો. જો કે મીની લોકડાઉન મામલે લોકોમાં અસમંજ હોય એ બાબતે એસપીએ સ્પષ્ટતા કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે રાત્રી કરફ્યુ અમલમાં હતું જ, પણ હવે પરિસ્થિતિ ખરાબ હોવાથી દિવસ દરમિયાન પણ સરકાર દ્વારા ઘણા નિયત્રણો લાદવામાં આવ્યા છે.

જેમાં આજથી 5 મે સુધી જીવન જરૂરી ચીજવસ્તુઓ એટલે દૂધ ,ફળ,શાકભાજી અને અનાજ કરીયાણા સહિતની ખાદ્યસામગ્રીની દુકાનો, મેડિકલ અને આરોગ્ય સહિતની આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે. એ સિવાયની તમામ વેપાર વાણિજ્યની દુકાનો બંધ રાખવાનો સરકારે આદેશ કર્યો હોવાથી પોલીસ દ્વારા તેનો કડક અમલ કરવામાં આવી રહ્યો હોવાનું તેમણે અંતમાં જણાવ્યું હતું.

(10:11 pm IST)