સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th April 2021

ઉના અને ગીરગઢડા પંથકમાં કોરોનાના સંકટ સમયમાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સજાગ બનશે?

લોકોની આરોગ્ય અને આર્થિક સમસ્યા વધતી જાય છે : સંગ્રહાખોરો બેફામ ?

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૨૮ : કોરોનાના સંકટ સમયમાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ વિસ્તારના સાંસદ અને ધારાસભ્યો લોકોની દરકાર કરવામાં સજાગ બને તેવું ઉના - ગીરગઢડા પંથકના લોકો ઇચ્છી રહેલ છે.

કોરોના એ પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરવાનું શરૂ કર્યું છે ત્યારે છેવાડાના તાલુકા એવા ઉના અને ગીરગઢડા તાલુકામાં પણ કોરોના એ કાળો કેર વર્તાવ્યો છે. ત્યારે આ બંને શહેરોની ખાનગી કે સરકારી હોસ્પિટલોમાં કોરોના દર્દી માટે બેડ નથી મળી રહ્યા , ઓકિસજનની અછત પડી છે વેન્ટીલેટરના પણ કોઈ ઠેકાણાં નથી જડતા અને આ બધી અસુવિધાઓને કારણે પ્રજામાં ભય અને ચિંતા ના વાદળો મંડાયેલા જોવા મળી રહ્યા છે.

આ વિકટ પરિસ્થિમાં ઉના અને ગિરગઢડા પંથકમાંથી મત મેળવી ને, સાંસદ અને ધારાસભ્ય બનેલા નેતાઓની હાલની કામગીરી શુ? કેન્દ્ર અને રાજય સરકારોમાં સ્થાનિક લોકોની આર્થિક અને આરોગ્યલક્ષી સમસ્યા સતત રજુ કરી નિવેડો લાવવાની જેમની નૈતિક, સામાજિક અને રાજકીય જવાબદારી બને છે, તેઓની કોઈ વાસ્તવિક કાર્ય પદ્ઘતિ કેમ દેખાતી નથી ??

તેવો પ્રશ્ન લોકો ઉઠાવી રહ્યા છે. આ મહામારીની વિકટ પરિસ્થિતિમાં જે જે ક્ષેત્રમાં કાળાજારીયાઓ અને સંગ્રહખોરો બેફામ બન્યા છે તેને રોકવા માટે કેમ પસીનો નથી પાડતા ?

કોરોના મહામારીમાં આ બંને તાલુકાના લોકો ફફડી રહ્યા છે ત્યારે યુદ્ઘના ધોરણે આ નેતાઓ પ્રજા વચ્ચે કેમ નથી આવી રહ્યા ? આવા સવાલો સતત લોકોની વચ્ચે વહેતા થયા છે.

(11:32 am IST)