સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th April 2021

મોરારીબાપુનો વિવેક : આવી સ્‍થિતીમાં સન્‍માન ન હોય બાપ...!

ભાવનગર-વેળાવદર,તા. ૨૮ : તાજેતરમાં મોરારીબાપુની શ્રોતાવિહોણી રાજુલા રામકથા સંપન્ન થઈ.તેમાં મોરારીબાપુની વિવેકશૈલીએ સૌને જીવનની એક પદ્ધતિ શીખવાડી હતી.

વાત એમ બની કે મોરારીબાપુની કથા શ્રોતા વિહોણી રાજુલામાં સંપન્ન થવાનો છેલ્લો દિવસ હતો.કથામાં માત્ર ચાર પાંચ જણ હાજર હતા.જેમાં બે વ્‍યક્‍તિઓ અમેરિકાના યજમાન કાંતિભાઈના પરિવારના હતાં.બે વ્‍યક્‍તિઓ આયોજકો હતાં.

છેલ્લે દિવસે આયોજક શ્રી અંબરીશ ડેર તથા સમિતીએ પ્રસ્‍તાવ મૂક્‍યો કે અમારે આયોજકોએ યજમાન પરિવાર કાંતિભાઈ વાણંદનું સન્‍માન કરવું છે. ત્‍યારે મોરારીબાપુએ કહ્યું કે આવા સંજોગોમાં ભલે અહીંયા કોઈ નથી તોપણ આપણે સન્‍માન ન કરી ન શકીએ અને સ્‍વીકારી પણ ન શકીએ બાપ..! એટલું જ નહીં બાપુએ જયારે રૂપિયા ૧ કરોડની આપવાની જાહેરાત કરી ત્‍યારે તેઓ ભાવુક થઈને કહીં રહ્યાં હતાં કે આવી આપદ્‌ સ્‍થિતિમાં આપણે શું કરી શકીએ તો મનને ટાઢક મળે આતો એક નાનકડું કામ છે. પરંતુ જે લોકો આ મહામારી સામે યોદ્ધાઓ થઈ લડી રહ્યાં છે તેમને સલામ કરવા જ રહ્યાં.

આવી સ્‍થિતિમાં આજે પણ કેટલાક લોકો પોતપોતાના દિન વિશેષ, નિમણૂંક,સન્‍માનો, ઉદ્‌ઘાટનના ફોટાઓ અપલોડ કરી રહ્યાં છે. ત્‍યારે મોરારીબાપુનો વિવેકએ માનવથી છ ફૂટ ઊંચો દેખાયો છે.

(10:29 am IST)