સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th April 2021

મોરબી સિવિલના દર્દીઓ સંભાળશે હવે ભક્તિ સંગીત : તમામ વોર્ડમાં સ્પીકર મુકાયા ----સિવિલ હોસ્પિટલનો સકારાત્મક પ્રયાસ : મ્યુઝિક થેરાપી દર્દીઓનું દર્દ કરશે દૂર

મોરબી : સંગીતની માણસના સ્વાસ્થ્ય ઉપર સાનુકૂળ અસર થતી હોવાનું આજનું તબીબી વિજ્ઞાન પણ સ્વીકારે છે ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલમાં આજથી તમામ વોર્ડમાં લાઉડ સ્પીકર મૂકી દર્દીઓને સારવારની સાથે ભક્તિ સંગીત પીરસવામાં આવી રહ્યું છે અને આજે હનુમાન જયંતીનો અવસર હોય હનુમાન ચાલીસાના પાઠ સાથે આ સાઉન્ડ સિસ્ટમ કાર્યરત કરી એક સકારાત્મક પગલું ભરવામાં આવ્યું છે.

મોરબી સિવિલ હોસ્પિટલમાં આજે હનુમાન જયંતીના અવસરે દર્દીઓ માટે નવા સકારાત્મક અભિગમ સાથે કોવિડ વોર્ડથી લઈ તમામ વોર્ડમાં લાઉડ સ્પીકર ફિટ કરી હનુમાન ચાલીસાના પાઠનું દર્દીઓને શ્રવણ કરાવવામાં આવ્યું હતું. આ સેન્ટ્રલી સાઉન્ડ સિસ્ટમથી દર્દીઓને દરરોજ ભક્તિ સંગીત પીરસવાની સાથે જરૂરી એનાઉન્સમેન્ટ કરી દર્દીઓ તેમજ સ્ટાફને સૂચના પણ આપી શકાશે.

આમ, કોરોના કાળમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં સકારાત્મક અભિગમ સાથે આજથી દર્દીઓને સારવારની સાથે સાથે ભક્તિ સંગીત સંભળાવી તેમની માનસિક સ્થિતિને રાહત મળે તે માટે સુંદર સ્તુત્ય પગલું ભરવામાં આવ્યું છે.

(10:09 pm IST)